નવી દિલ્હીઃ ICC વર્લ્ડકપ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ જેવી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. લોર્ડ્સમાં આયર્લેન્ડ સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ઈંગ્લેન્ડની ટીમ 23.4 ઓવરમાં માત્ર 85 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.


ઉલ્લેખનીય છે કે ઇગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસના 143 વર્ષમાં પ્રથમવાર ઇગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચ અગાઉ ઓલઆઉટ થઇ ગઇ હોય. જો રૂટની કેપ્ટનશિપ હેઠળની ઈંગ્લેન્ડ ટીમે 15 ઓવરમાં 43 રનમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. આયર્લેન્ડના ટિમ મુર્તઘે 9 ઓવરમાં 2 મેડન નાંખી 13 રન આપી 5 વિકેટ લીધી હતી. માર્ક આદિરે 3 તથા રેન્કિને 2 વિકેટ લીધી હતી.

આ સ્કોર 1997 બાદથી ઇગ્લેન્ડ ટીમનો પોતાના ઘરમાં આ સૌથી ઓછો સ્કોર છે.  જેસન રોયે વર્લ્ડકપમાં પોતાના  વિસ્ફોટક બેટિંગથી ઇગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મદદ મળી હતી. પરંતુ ટેસ્ટ ક્રિકેટની ડેબ્યૂ મેચમાં તે ફક્ત પાંચ રન કરી આઉટ થઇ ગયો હતો. શાનદાર ફોર્મમાં રહેલો જોની બેયરસ્ટો પણ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. મોઇન અલી અને ક્રિસ  વોક્સ પણ શૂન્યમાં આઉટ થયા હતા. કેપ્ટન જો રૂટ ફક્ત બે રન બનાવી આઉટ થયો હતો.