Euro 2024: યુરો કપની સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સને 2-1થી હરાવીને સ્પેન ફાઇનલમાં પહોંચ્યું હતું. સ્પેન 12 વર્ષ પછી યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું છે. મંગળવારે જર્મનીના બર્લિનના આલિયાન્ઝ એરેના ખાતે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્પેને ફ્રાંસને 2-1થી હરાવ્યું હતું. હવે ફાઇનલમાં તેનો મુકાબલો રવિવારે ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે યોજાનારી બીજી સેમિફાઇનલમાં વિજેતા ટીમ સાથે થશે. આ પહેલા સ્પેન 2012માં ઈટાલીને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.






સ્પેનની જીતના હીરો 16 વર્ષીય લેમિન યામલ અને ડેની ઓલ્મો હતા. બંનેએ ટીમ માટે 1-1 ગોલ કર્યા હતા. ફ્રાન્સે મેચની પ્રથમ 10 મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી લીધી હતી, પરંતુ 15 મિનિટ બાદ સ્પેને પ્રથમ ગોલ કરીને સ્કોર બરાબરી કરી દીધો હતો અને માત્ર 4 મિનિટ બાદ જ સ્પેને લીડ મેળવી લીધી હતી.






ફ્રાન્સે 10 મિનિટમાં જ ગોલ કર્યો


મેચના પહેલા હાફમાં જ બંને ટીમો દ્વારા ત્રણેય ગોલ કરવામાં આવ્યા હતા. મેચની 7મી મિનિટે ફ્રાન્સના કેપ્ટન કૈલિયન એમ્બાપ્પે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગોલ પોસ્ટ સુધી પહોંચે તે પહેલા જિસસ નાવાસે તેની પાસેથી બોલ છીનવી લીધો હતો. માત્ર બે મિનિટ પછી એમ્બાપ્પે પાસે બોલ આવ્યો હતો, તેણે કોઈ પણ વિલંબ કર્યા વિના તેની ટીમના સાથી પાસે પાસ કર્યો અને કોલો મુઆનીએ કોઈ ભૂલ કરી નહીં અને ટીમને 1-0ની લીડ અપાવી હતી.


સ્પેને 4 મિનિટમાં બે ગોલ કર્યા હતા


ફ્રાંસની ટીમ અને તેના પ્રશંસકોની ખુશી લાંબો સમય ટકી ન હતી, માત્ર 15 મિનિટ બાદ સ્પેને સ્કોર બરાબરી કરી દીધો હતો. મેચની 21મી મિનિટે 16 વર્ષીય લેમિન યામલે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બરાબર 4 મિનિટ બાદ એટલે કે 25મી મિનિટે ડેની ઓલ્મોએ ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી દીધી હતી.


પ્રથમ હાફમાં 2-1થી આગળ રહેલા સ્પેને બીજા હાફમાં શાનદાર રમત બતાવી હતી. સ્પેનિશ ટીમે ફ્રેન્ચ ડિફેન્સ પર પ્રભુત્વ જમાવ્યું હતું. જોકે, મેચની 60મી મિનિટે ફ્રાન્સના ઓસ્માન ડેમ્બેલે ક્રોસ શોટથી સ્કોર બરાબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો પ્રયાસ સ્પેનના ગોલકીપર ઉનાઈ સાઇમને બોલને રોકીને નિષ્ફળ બનાવ્યો હતો. સ્પેનની આ લીડ અંત સુધી અકબંધ રહી અને મેચ 2-1થી જીતી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.