નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં મળેલી હાર છેલ્લા બે વર્ષમાં તેમના કોચિંગ કરિયરની સૌથી નિરાશાજનક ક્ષણ હતી. વર્લ્ડકપ 2019માં જતા અગાઉ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર હતી. કોહલીની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયા પાસે આઠ વર્ષ બાદ ફરીથી વર્લ્ડકપ જીતવાની તક હતી. રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં 30 મિનિટની ખરાબ રમતને જવાબદાર ગણી હતી.
એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, હું વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલને છેલ્લા બે વર્ષમાં મારા કોચિંગ કરિયરની સૌથી નિરાશાજનક ક્ષણ કહું છું. એ 30 મિનિટની રમતે બધુ બદલી દીધું હતું. અમારા હાથમાંથી બધુ સરકી ગયું. અમે ટુનામેન્ટમાં ખૂબ સારુ ક્રિકેટ રમ્યા હત. અમે કોઇ પણ ટીમની તુલનામાં વધુ મેચ જીતી હતી. પોઇન્ટ્સ ટેબલમાં અમે સૌથી ઉપર હતા પરંતુ એક ખરાબ દિવસે બધુ જ બદલી દીધુ હતું.
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાના ટોચના ત્રણ બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ઓપનર રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલી ફક્ત 1-1 રન બનાવી આઉટ થયા હતા. ભારતે પાંચ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં ધોની અને જાડેજાએ સારુ પ્રદર્શન કર્યુ હતુ પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા.