ICCની આપત્તિથી ફેસબુકે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાની પૉસ્ટને ડિલીટ કરી દીધી, જાણો શું છે મામલો
abpasmita.in | 08 Jul 2019 03:07 PM (IST)
નયનાબાએ ચાલુ મેચ દરમિયાન ક્રિઝ પર બેટિંગ કરી રહેલા એક ભારતીય બેટ્સમેનનો પગના ભાગનો ફોટો ફેસબુકમાં મૂક્યો હતો, આઇસીસીએ તે પૉસ્ટ પર આપત્તિ દર્શાવી
નવી દિલ્હીઃ વર્લ્ડકપ દરમિયાન રવિન્દ્ર જાડેજાની સતત અનદેખી કરવામાં આવતી હોવાને લઇને તેની બહેન નયનાબાએ ચિંતા વ્યક્ત કરી હતી. નયનાબા જાડેજાએ ફેસબુક પર એક પૉસ્ટના માધ્યમથી રોષ ઠાલવ્યો હતો. આના પર આઇસીસીએ તે પૉસ્ટ પર આપત્તિ દર્શાવી, તો ફેસબુકે નયનાબાની નયનાબાની અનુમતીથી તે પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી. નયનાબાએ ચાલુ મેચ દરમિયાન ક્રિઝ પર બેટિંગ કરી રહેલા એક ભારતીય બેટ્સમેનનો પગના ભાગનો ફોટો ફેસબુકમાં મૂક્યો હતો. તેમાં લખ્યું હતું કે, ટીમમાં તેના(રવીન્દ્ર) કરતા સારા ખેલાડી ન હોવા છતાં તેનો ટીમમાં સમાવેશ થયો નથી. તેને(રવીન્દ્ર) શા માટે નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે? આ પોસ્ટ મૂક્યા બાદ થોડા જ સમયમાં ફેસબુકે પોસ્ટ ડિલીટ કરી હતી અને નયનાબાને મેસેજ કરવામાં આવ્યો હતો કે થર્ડ પાર્ટી એટલે કે આઈસીસીએ આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે અને ફરિયાદ કરી છે. જો નયનાબાએ આ પોસ્ટ પાછી મેળવવી હોય તો ફરિયાદ કરનાર આઈસીસી સાથે સીધી વાત કરીને સમાધાન કરવાનું રહેશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ફરિયાદ માટે કોપીરાઈટનો ઉપયોગ કર્યો છે. ફેસબુક પર ક્રિકેટને લગતા વીડિયોની અઢળક પોસ્ટ હોય છે તે તમામ વર્ષોથી હજુ ટ્રેન્ડિંગ હોવા છતાં આઈસીસીએ કોઇ પગલાં લીધા નથી. માત્ર નયનાબાના જ કિસ્સામાં આઈસીસીએ વાંધો ઉઠાવ્યો છે. જેનો અર્થ નીકળી શકે કે રવિન્દ્ર જાડેજાને ટીમમાં ન સમાવ્યા તે મામલે ક્રિકેટ ઓથોરિટી પર માછલાં ધોવાઈ રહ્યા છે તેની જાણ ભારતીય ક્રિકેટ બોર્ડ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ સુધી થઇ ચૂકી છે. આ કારણે રવિન્દ્રની શાખ પર શું અસર થશે તે વર્લ્ડકપ બાદ જ ખ્યાલ આવશે.