નવી દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘરેલું ક્રિકેટનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના કેટલાક ઉભરતા ખેલાડીઓની કારકિર્દી નષ્ટ કરી દીધી છે. વિભાગીય ક્રિકેટ કલ્ચરને સમાપ્ત કર્યા બાદ હવે બોર્ડને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે કેટલાક ક્રિકેટર્સની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ ખેલાડીઓમાં એક ફઝલ સુભાન છે.

પાકિસ્તાનના એક પત્રકારે સુભાનનો એક વિડીયો વાઈરલ કર્યો છે. જેમાં તે ડોમેસ્ટિક ક્રિકેટર પોતાના સંઘર્ષની ગાથાને જણાવી રહ્યો છે. આ વિડીયો પછી હફીઝે પીસીબીના નવા મોડલ પર નિશાન સાધ્યું છે. હફીઝે ટ્વિટર પર એક વિડીયો શૅર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે,’ખૂબ જ ખરાબ વાત છે. આની જેમ જ અનેક ખેલાડીઓ પરેશાન છે. નવી સિસ્ટમ હેઠળ માત્ર 200 ખેલાડીઓ પર ધ્યાન આપવામાં આવશે. જોકે, હજારો ખેલાડીઓ અને મેનેજમેન્ટ સ્ટાફ પાસે નોકરી નથી જેનું કારણ નવું મોડલ છે.’



તેમણે કહ્યું કે,’મને ખબર નથી કે બેરોજગાર ક્રિકેટ જગતની જવાબદારી કોણ લેશે.’ વિડીયોમાં સુભાન એવું કહી રહ્યો છે કે,’હા, હું ભાડાની પિક અપ વાન ચલાવું છું. આ સીઝનના હિસાબે થતું કામ છે. ઘણાં દિવસોમાં કામ મળે છે તો અનેકવાર કશું મળતું જ નથી.’


આપને જણાવી દઈએ કે ફઝલ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે શોએબ મલિકની ટીમ વિરુદ્ધ તેને 207 રનની ઇનિંગ રમી હતી. ટી20માં તેનો સ્ટ્રાઇક રેટ લગભગ 131થી પણ વધુ છે અને તેની પસંદગી નેશનલ ટીમમાં થવાની હતી. બોર્ડથી તેને ફોન પણ આવી ચૂક્યો હતો. પરંતુ પછી શું થયું એ વિશે ફઝલને કંઇ ખબર નથી. ફઝલે કહ્યું કે વિભાગીય ક્રિકેટ દરમિયાન તેઓ લગભગ 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરતો હતો પરંતુ જ્યારથી આ બંધ થયું છે તેની કમાણી ઘટીને 30થી 35 હજાર થઈ છે. જે પરિવારના ગુજરાન માટે પૂરતી નથી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફઝલની સરેરાશ લગભગ 33 નજીક હતી. ફઝલે કહ્યું કે એના જેવા કેટલાક ક્રિકેટરની હાલ એવી હાલાત છે.