Cristiano Ronaldo Records: FIFA વર્લ્ડ કપ 2022 ગુરુવારે રાત્રે પોર્ટુગલ અને ઘાના વચ્ચેની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને તેની ટીમને લીડ અપાવી હતી. આ ગોલ સાથે તેણે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે પાંચ ફિફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યો છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ ડેબ્યૂ 2006માં થયું હતું. તે વર્લ્ડ કપમાં તેણે પેનલ્ટી સ્પોટથી ઈરાન સામે તેનો પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી વર્લ્ડ કપમાં તેના પછીનો ગોલ ચાર વર્ષ પછી આવ્યો. રોનાલ્ડોએ 2010ના વર્લ્ડકપમાં નોર્થ કોરિયા સામે ગોલ કર્યો હતો. તેણે વર્લ્ડ કપ 2014માં ઘાના સામેની મેચમાં પણ ગોલ કર્યો હતો. રોનાલ્ડો માટે વર્લ્ડ કપ 2018 ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેણે ગત વર્લ્ડકપમાં ચાર ગોલ કર્યા હતા. જેમાં તેણે સ્પેન સામે હેટ્રિક ફટકારી હતી.
37 વર્ષીય રોનાલ્ડોએ પોર્ટુગલ માટે અત્યાર સુધીમાં 5 વર્લ્ડ કપમાં કુલ 18 મેચ રમી છે. આમાં તેના નામે હવે 8 ગોલ નોંધાયા છે. એકંદરે તેની કારકિર્દીમાં તેણે પોર્ટુગલ માટે 118 ગોલ કર્યા છે. રોનાલ્ડોએ વર્ષ 2003માં પોર્ટુગલ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે યુરો 2004માં તેની કારકિર્દીનો પ્રથમ ગોલ ગ્રીક ટીમ સામે કર્યો હતો.
FIFA World Cup 2022 માં પોર્ટુગલે ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એન્ડ કંપનીએ ઘાના સામે 3-2થી જીત મેળવી હતી. મેચના પ્રથમ હાફમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી, પરંતુ બીજો હાફ ઘણો રોમાંચક રહ્યો હતો. આ મેચની સાથે જ રોનાલ્ડોએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે પાંચ અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો ન હતો
પ્રથમ 10 મિનિટમાં જ પોર્ટુગલે સતત ત્રણ વખત આક્રમણ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમાંથી રોનાલ્ડોનો હુમલો સૌથી ખતરનાક હતો, જેમાં પોર્ટુગલને લીડ લેવાની સારી તક હતી. 13મી મિનિટમાં રોનાલ્ડોએ કોર્નર કિક પર હેડર દ્વારા ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ ટાર્ગેટ ચૂકી ગયો હતો. હાફના અંત પહેલા રોનાલ્ડોએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ બ્લોક થઈ ગયો હતો. પ્રથમ હાફમાં સંપૂર્ણ રીતે પોર્ટુગલનો દબદબો રહ્યો હતો અને ઘાના તરફથી એક પણ શોટ આવી શક્યો નહોતો
આ રેકોર્ડ બે મહિલા ખેલાડીઓના નામે નોંધાયેલો છે.
મહિલા ફૂટબોલમાં આ રેકોર્ડ બે ખેલાડીઓ પહેલા જ હાંસલ કરી ચૂકી છે. FIFA મહિલા વિશ્વ કપ 2019માં માર્થા અને ક્રિસ્ટિન સિંકલેરે 5 અલગ-અલગ વર્લ્ડકપમાં ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો.