ફિફા વર્લ્ડકપમાં શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલે મોરોક્કો સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સતત બીજી મેચ માટે બેન્ચ બેસાડવામાં આવ્યો હતો અને બાદમાં તેને મેદાનમાં અવેજી તરીકે ઉતારાયો હતો. જો કે, તે કોઈ ગોલ કરવામાં સફળ રહ્યો નહોતો.
વર્લ્ડ કપમાંથી પોતાની ટીમની બહાર થયા બાદ રોનાલ્ડો એકલો મેદાનની બહાર નીકળ્યો હતો અને રડતો જોવા મળ્યો હતો. હવે એક દિવસ પછી રોનાલ્ડોએ વર્લ્ડ કપમાંથી બહાર થવાના અનુભવ વિશે તેની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એક લાંબી નોટ લખી છે. 37 વર્ષીય સ્ટાર ફૂટબોલર તેની ભૂતપૂર્વ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે તેમજ પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા વિવાદોમાં ફસાઈ ગયો છે. જો કે, તેણે પોસ્ટમાં લખ્યું કે પોર્ટુગલ પ્રત્યેનું તેમનું સમર્પણ એક ક્ષણ માટે પણ બદલાયું નથી.
રોનાલ્ડોએ લખ્યું હતું કે પોર્ટુગલ માટે વર્લ્ડકપ જીતવો એ મારી કારકિર્દીનું સૌથી મોટું અને સૌથી મહત્વાકાંક્ષી સપનું હતું. સદનસીબે, મેં પોર્ટુગલ માટે ઘણા આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યા પરંતુ મારું સૌથી મોટું સ્વપ્ન મારા દેશને વિશ્વમાં ટોચ પર લાવવાનું હતું. હું તેના માટે લડ્યો. આ સ્વપ્ન માટે સખત સંઘર્ષ કર્યો. 16 વર્ષમાં પાંચ વર્લ્ડકપમાં હું હંમેશા મહાન ખેલાડીઓ સાથે અને તેમના સમર્થન અને લાખો પોર્ટુગીઝના સમર્થનથી રમ્યો છું. મેં ટીમ માટે મેદાનમાં મારું સર્વસ્વ આપી દીધું. હું હંમેશા લડ્યો છું અને પીછેહઠ કરી નથી. તમારા સ્વપ્નને ક્યારેય છોડશો નહીં. માફ કરશો ગઈકાલે સ્વપ્ન તૂટી ગયું.
રોનાલ્ડોએ લખ્યું- આ વિવાદો પર પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી. હું ઈચ્છું છું કે તમે બધા જાણો કે ઘણું કહેવામાં આવ્યું છે, ઘણું લખવામાં આવ્યું છે, ઘણું અનુમાન કરવામાં આવ્યું છે, પરંતુ પોર્ટુગલ પ્રત્યેની મારી નિષ્ઠા એક ક્ષણ માટે પણ બદલાઈ નથી. હું હંમેશા બધાના હેતુ માટે લડતો રહ્યો છું અને હું ક્યારેય મારા સાથીઓ અને મારા દેશ તરફ પીઠ ફેરવીશ નહીં. રોનાલ્ડોએ પોર્ટુગલનો વધુ આભાર માનતા કહ્યું કે "સપનું તૂટ્યું ત્યાં સુધી બધું સારું હતું.
રોનાલ્ડોએ લખ્યું- અત્યારે કહેવા માટે વધારે કંઈ નથી. આભાર પોર્ટુગલ. રોનાલ્ડોની આ રહસ્યમય પોસ્ટે ચાહકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. આ પોસ્ટ પરથી એવું લાગે છે કે રોનાલ્ડોએ પોર્ટુગલ માટે તેની છેલ્લી મેચ રમી છે અને હવે તે ફરીથી રમતો જોવા નહીં મળે, કારણ કે તેણે લખ્યું છે કે સપનું તૂટી ગયું છે. મતલબ કે રોનાલ્ડોએ આશા છોડી દીધી છે.
આ વર્લ્ડ કપમાં રોનાલ્ડોએ કુલ એક ગોલ કર્યો છે. તે પાંચ વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી પણ બન્યો હતો. મોરોક્કો સામેની મેચમાં રોનાલ્ડોએ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચોના રેકોર્ડની બરાબરી કરી હતી. રોનાલ્ડોની આ 196મી આંતરરાષ્ટ્રીય મેચ છે.