ફીફા વર્લ્ડકપ 2018ઃ ઇગ્લેન્ડને હરાવીને ક્રોએશિયા ફાઇનલમાં, ફ્રાન્સ સામે ટકરાશે
abpasmita.in | 12 Jul 2018 10:22 AM (IST)
નવી દિલ્હીઃ મારિયો માનજુકિચે કરેલા ગોલની મદદથી ક્રોએશિયા પ્રથમવાર ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગયું છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ક્રોએશિયાએ ઇગ્લેન્ડને 2-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ રમાશે. ઇગ્લેન્ડ અને ક્રોએશિયા નિર્ધારિત સમય સુધી 1-1 પર હતા પરંતુ ત્યારબાદ એકસ્ટ્રા સમયમાં માનજુકિચે ગોલ ફટકારીને ટીમને ફાઇનલમાં સ્થાન અપાવ્યું હતું. કિરેન ટ્રિપિયરે પાંચમી મિનિટમાં ગોલ ફટકારી ઇગ્લેન્ડને 1-0થી આગળ કરી દીધું હતું. પરંતુ ક્રોએશિયાના ઇવાન પેરિસિચએ 68મી મિનિટમાં ગોલ કરી ટીમને જીતવાની આશા જીવંત રાખી હતી. ઇગ્લેન્ડની ટીમ 52 વર્ષ બાદ બીજી વખત ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઇ છે. વર્લ્ડકપના ઇતિહાસમાં ફક્ત બીજી વખત સેમિફાઇનલમાં સ્થાન મેળવનારી ક્રોએશિયાની ટીમ આ અગાઉ ફ્રાન્સમાં 1998માં સેમિફાઇનલમાં પહોંચી હતી અને ત્યારે તેણે યજમાન ટીમ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.