આજે ફિફા વર્લ્ડ કપ 2022માં પોર્ટુગલની ટીમ ઘાના સામે ટકરાશે. ગ્રુપ-એચની આ મેચમાં તમામની નજર પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે. 37 વર્ષીય રોનાલ્ડો તેનો પાંચમો અને કદાચ છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મંગળવારે માન્ચેસ્ટર યુનાઇટેડ સાથેનો તેનો કરાર સમાપ્ત થયો છે. રોનાલ્ડોએ યુનાઈટેડના કોચ એરિક ટેન હૈગ, ક્લબના માલિક અને સાથી ખેલાડીઓની ટીકા કરી હતી.
પોર્ટુગલ હજુ પણ પ્રથમ ટાઈટલની રાહ જોઈ રહ્યું છે
જો જોવામાં આવે તો પોર્ટુગલનો આ એકંદરે આઠમો વર્લ્ડ કપ હશે. પ્રથમ વખત પોર્ટુગલે 1966 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, જ્યાં તે ત્રીજા સ્થાને રહ્યું હતું. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં પોર્ટુગલનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ પછી તેને 1986ના વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળ્યો જેમાં તે 17મા ક્રમે રહ્યું. ત્યારબાદ 2002થી પોર્ટુગીઝ ટીમ દરેક વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. જોકે તે ટાઈટલની રાહ જોઇ રહી છે.
વિશ્વ કપમાં તેનું પ્રદર્શન ભવિષ્યમાં આ દિગ્ગજ કઈ ટીમમાં જોડાશે તે નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પાંચ વખત વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ચૂંટાયેલા રોનાલ્ડો પાસે પોર્ટુગલના લોકો વર્લ્ડકપની આશા રાખી રહ્યા છે.
રોનાલ્ડોએ પરસ્પર સંમતિથી માન્ચેસ્ટર યુનાઈટેડથી અલગ થતાં પહેલાં કહ્યું હતું કે પોર્ટુગલના વર્લ્ડ કપ અભિયાન દરમિયાન તેની ક્લબ સંબંધિત મુદ્દાઓ તેને અસર કરશે નહીં. રોનાલ્ડોએ હજુ વર્લ્ડ કપ જીત્યો નથી અને પ્રથમ વખત ટ્રોફી મેળવવી એ આ વર્લ્ડકપમાં તેની પ્રેરણા હશે.
ઘાના પણ કરી શકે છે ઉલટફેર
પોર્ટુગલ પ્રથમ મેચમાં જ ઘાનાનો સામનો કરી રહ્યું છે, જે વર્લ્ડકપમાં ભાગ લેનારી સૌથી નીચી રેન્કિંગ ટીમ છે પરંતુ તેને ડાર્ક હોર્સ માનવામાં આવી રહી છે. ઘાનાનું વર્લ્ડ રેન્કિંગ 61 છે. આ ગ્રુપમાં ઉરુગ્વે અને દક્ષિણ કોરિયા જેવી ટીમો પણ અપસેટ સર્જવામાં સક્ષમ છે. ઘાના પાસે થામસ પાર્ટ અને મોહમ્મદ કુદુસ જેવા ખેલાડીઓ છે જેમણે યુરોપિયન ક્લબો માટે સારું પ્રદર્શન કર્યું છે. પોર્ટુગલે આ ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે