FIFA World Cup 2022: FIFA વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ મેચમાં ઈક્વાડોરએ યજમાન કતારને 2-0થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. પહેલા હાફમાં જ ઈક્વાડોર 2-0થી લીડ મેળવી હતી જે તેના માટે પુરતી સાબિત થઈ હતી. એનર વેલેંસિયાએ ઈક્વાડોર માટે બંને ગોલ કર્યા અને પોતાની ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે વેલેંસિયા વર્લ્ડ કપમાં ચાર ગોલ કરનાર ઈક્વાડોર માટે પ્રથમ ખેલાડી બની ગયો છે.






પ્રથમ હાફમાં ઇક્વાડોરે બે ગોલ કર્યા હતા


મેચની ત્રીજી મિનિટે ઈક્વાડોર ગોલ કરીને તેની ઉજવણી કરી હતી, પરંતુ રેફરીએ VAR દ્વારા ગોલ રદ જાહેર કર્યો હતો. આ ગોલ વેલેન્સિયાએ કર્યો હતો અને 16મી મિનિટે તેણે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને પોતાની ટીમને 1-0થી આગળ કરી હતી. 31મી મિનિટે વેલેન્સિયાએ શાનદાર હેડર કરીને પોતાની ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. આ ગોલ કતારના ડિફેન્સની ભૂલને કારણે થયો હતો કારણ કે કોઈએ વેલેન્સિયાને માર્ક ન કર્યો.


કતારે બીજા હાફમાં સારી ફાઈટ આપી


બીજા હાફમાં કતારની રમત પહેલા હાફની તુલનામાં ઘણી સારી રહી હતી અને તેણે સતત તકો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 67મી મિનિટે પેડ્રો મિગુએલે કતાર માટે ગોલ કરવાની ઘણી આશાઓ જગાવી હતી, પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો. દરમિયાન, કતારના ચાહકો તેમના શ્વાસ રોકી રહ્યા હતા ત્યારે ઇક્વાડોરે પણ આવી એક-બે ચાલ કરી હતી, પરંતુ ડિફેન્સે તેમની ટીમનો બચાવ કર્યો હતો. છેલ્લી થોડી મિનિટોમાં, કતારની ટીમ વધુ આક્રમક દેખાતી હતી, જ્યારે ઇક્વાડોરે બચાવ મુદ્રા અપનાવી હતી. 


ફિફા વર્લ્ડ કપ 2022ની શરુઆત 


ફિફા વર્લ્ડ કપ 2022 શરૂ થઈ ગયો છે. અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  આ પહેલા સ્ટેડિયમમાં હાજર લગભગ 60 હજાર પ્રશંસકોએ વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક મેળવી હતી. જે બાદ આ ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. અલ બાયત સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં હાજર પ્રશંસકોના ઘોંઘાટ વચ્ચે કાર્યક્રમ શરૂ થયો હતો.