Qatar vs Ecuador: ફૂટબોલ જગતની સૌથી મોટી ઈવેન્ટ એવી ફિફા વર્લ્ડકપનો શુભારંભ થયો છે. જોકે વર્લ્ડકપની શરૂઆતમાં જ યજમાન દેશના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. યજમાન કતર અને દક્ષિણ અમેરિકા દેશ ઈક્વાડોર સામે રમાઈ હતી. આ મેચ દરમિયાન કતરના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો જે ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ દેશે નોંધાવ્યો હોય. 


કતર વિશ્વનો પહેલો યજમાન દેશ બન્યો છે જેણે ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઓપનર મેચ હારી છે. અલ બાયત સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇક્વાડોરે યજમાન ટીમને 2-0થી હરાવ્યું હતું.


યજમાન દેશ પહેલી જ વાર  ઓપનિંગ મેચ હાર્યો


કતર પહેલા 22 દેશો ફિફા વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યા છે. તેમાંથી 16 દેશો એવા છે કે, જેઓ વર્લ્ડકપની પ્રથમ મેચ જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે 6 દેશોએ વર્લ્ડ કપનો પ્રથમ ડ્રો રમ્યો છે. પરંતુ FIFA વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસની યજમાની દરમિયાન વખતે કતર પહેલી જ વાર ઓપનિંગ મેચ હારી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, કતરની ટીમ પ્રથમ વખત વર્લ્ડકપમાં રમી રહી છે.


એનર વેલેન્સિયાએ 2 ગોલ કર્યા હતા


ફિફા વર્લ્ડ કપની પહેલી મેચમાં એક્વાડોરની ટીમે યજમાન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. કેપ્ટન એનર વેલેન્સિયાએ પહેલા હાફમાં જ કતરની હારની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. વેલેન્સિયાએ 16મી મિનિટે પેનલ્ટી દ્વારા શાનદાર ગોલ ફટકાર્યો હતો. કતરના ગોલકીપર શાદ અલ શીબે એક્વાડોરના કેપ્ટનને બોક્સમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને મેચ રેફરીએ ફાઉલ કર્યો હતો. ગોલકીપરના આ અયોગ્ય વલણ બદલ તેને યલો કાર્ડ પણ મળ્યું હતું. ત્યાર બાદ વેલેન્સિયાએ 31મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. આ ગોલને એન્જેલો પ્રિસિયાડોએ મદદ કરી હતી. પ્રથમ હાફમાં 2 ગોલ ફટકાર્યા બાદ કતરની ટીમે પુનરાગમન કરવા માટે સંઘર્ષ જરૂર કર્યો પરંતુ એક્વાડોરના મજબૂત ડિફેન્સ સામે એક પણ ગોલ મેળવી શક્યો નહીં.


ફિફા વર્લ્ડ કપ 2022ની શરુઆત 


ફિફા વર્લ્ડ કપ 2022 શરૂ થઈ ગયો છે. અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  આ પહેલા સ્ટેડિયમમાં હાજર લગભગ 60 હજાર પ્રશંસકોએ વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક મેળવી હતી. જે બાદ આ ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. અલ બાયત સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં હાજર પ્રશંસકોના ઘોંઘાટ વચ્ચે કાર્યક્રમ શરૂ થયો હતો.