FIFA World Cup 2022, Final: કતારમાં યોજાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022ના બંને ફાઇનાલિસ્ટ ટીમની પુષ્ટી થઈ ગઈ છે. એક તરફ લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચી ગઇ છે તો બીજી તરફ કાઇલિન એમબાપ્પેની ફ્રાન્સે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે આર્જેન્ટિના અને ફ્રાન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ટાઇટલ માટે ટકરાશે. જો કે આ મેચ પહેલા બે એવા સંયોગ બની રહ્યા છે જેના આધારે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલો લિયોનેલ મેસ્સી પોતાની ટીમને ખિતાબ અપાવશે. આવી સ્થિતિમાં આજે અમે તમને બંને સંયોગો વિશે જણાવીશું.


આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચી ગયું છે. જોકે, તેના ગ્રુપ સીની છેલ્લી અને ત્રીજી મેચમાં લિયોનેલ મેસ્સીને પોલેન્ડ સામે પેનલ્ટીનો મોકો મળ્યો હતો. મેસ્સી આ તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો. જોકે આર્જેન્ટિનાએ આ મેચ પોલેન્ડ સામે 2-0થી જીતી હતી. પરંતુ આ પહેલી વખત નથી બન્યું કે સ્ટાર ખેલાડી ત્રીજી મેચમાં ગોલ ચૂકી ગયો હોય. અગાઉ આર્જેન્ટિનાના બે સ્ટાર ખેલાડીઓ મારિયો કેમ્પસ (1978) અને ડિએગો મેરાડોના (1986)માં ગોલ ચૂકી ગયા હતા, પરંતુ આ બંને વર્ષોમાં આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. આવી સ્થિતિમાં આ સંયોગના આધારે આ વખતે પણ લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ચેમ્પિયન બનશે તે નિશ્ચિત જણાય છે.


મેસ્સીનો વર્લ્ડ કપ જીતવાનો બીજો સંયોગ પીએસજી ક્લબ સાથે સંબંધિત છે. જેના માટે તે રમે છે. વાસ્તવમાં વર્ષ 2001માં બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી રોનાલ્ડીન્હો આ ક્લબ સાથે જોડાયેલા હતા. ક્લબમાં જોડાયાના એક વર્ષ પછી એટલે કે વર્ષ 2002માં બ્રાઝિલ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું. રોનાલ્ડીન્હો પછી કાઈલિન એમબાપ્પે વર્ષ 2017માં PSG ક્લબમાં જોડાયો અને પછી વર્ષ 2018માં ફ્રાન્સે વર્લ્ડ કપ જીત્યો.


આ વખતે પણ એવો જ સંયોગ બની રહ્યો છે. વાસ્તવમાં મેસ્સી વર્ષ 2021માં પીએસજી ક્લબમાં જોડાયો હતો અને વર્ષ 2022માં આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આવી સ્થિતિમાં આ સંયોગના આધારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેસ્સીની આર્જેન્ટિના આ વખતે વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે.