Hockey WC 2023: ભારત અને જાપાન વચ્ચે આજે રમાયેલી હૉકી ક્લાસિફિકેશન મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે. હૉકી વર્લ્ડકપ 2023ની આજની ક્લાસિફિકેશન મેચમાં ટીમ ઇન્ડિયાએ જાપાનને 8-0થી સજ્જડ પરાજય આપ્યો છે. ઓડિશમાં રમાઇ રહેલા હૉકી વર્લ્ડકપ 2023માં આજથી ક્લાસિફિકેશન રાઉન્ડની શરૂઆત થઇ હતી, આ રાઉન્ડમાં ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયેલી ટીમો વચ્ચે બેસ્ટ સ્થાન મેળવવા માટે જંગ જામ્યો હતો, આજની મેચમાં ભારત અને જાપાન વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયા દમખમ બતાવતા જાપાનને 8-0થી રગદોળી નાંખ્યુ હતુ.
આજની મેચમાં 9માંથી 16માં સ્થાન માટે કુલ 4 મેચો રમાઇ રહી છે. જીતનારી ટીમ આગળ જઇને 9માથી 12માં સ્થાન માટે મેચ રમશે. વળી, હારનારી ટીમને 13માંથી 16માં સ્થાન માટે મેચો રમવી પડશે.
ભારતની શાનદાર જીત, હરમનપ્રીત- અભિષેક કર્યા બે-બે ગૉલ-
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રૉસઓવર મેચમાં હારી ગયેલી ટીમ ઇન્ડિયાએ આજે જાપાન સામે શાનદાર મોટી જીત હાંસલ કરી લીધી છે. આજની ક્લાસિફિકેશન મેચની વાત કરીએ તો ભારત તરફથી હરમનપ્રીત અને અભિષેકે બે-બે ગૉલ કર્યા હતા. ભારતની આક્રમક રમત સામે જાપાન આજની મેચમાં એકપણ ગૉલ ના કરી શકી.
હાફટાઇમ સુધી સ્કૉર 0-0 પર રહ્યો હતો, બીજા હાફમાં એટલે કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ભારતે ગૉલનો વરસાદ કરી દીધો અને મેચનું પાસુ પલડુ દીધુ હતુ, ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત અને અભિષેકે 2-2 ગૉલ કર્યા હતા. આ ઉપરાંત મનદીપ સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ અને સુખજીત સિંહે 1-1 ગૉલ કર્યો હતો.