મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટનેસ મેળવ્યા બાદ સોમવારથી શરૂ થઈ રહેલી ડીવાઇ પાટીલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમશે. હાર્દિક પંડ્યાને પાંચ મહિના પહેલા કમરમાં ઈજા થઈ હતી ત્યાર બાદ લંડનમાં તેમની સર્જરી થઈ હતી. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર બેંગલુરુની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનથી પસાર થઈ રહ્યા છે.

મુંબઈ ક્રિકેટ એસોસીએશન અને ડીવાઇ પાટીલ રમત એકેડમીના અધ્યક્ષ ડો. વિજય પાટીલે પત્રકારોને કહ્યું કે, 'એક ટીમનું પ્રતિનિધિત્વ હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન કરશે.' શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર પણ ઈજાથી બહાર આવી રહ્યા છે. ભુવનેશ્વર કુમારનું હર્નિયાનું ઓપરેશન થયું હતું જ્યારે શિખર ધવનને છેલ્લા મહીને ઓસ્ટ્રેલિયા સામે ઘરેલું વનડે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી.

ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા મનીષ પાંડે, શ્રેયસ અય્યર, શિવમ દુબે અને સંજુ સેમસન સિવાય ઘરેલું ક્રિકેટ દિગ્ગજ ખેલાડી સૂર્ય કુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી અને અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દિવ્યાંશ સક્સેના બીપીસીએલ ટીમના ભાગ હશે.