મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓફ સ્પિનર બ્રૂસ યાર્ડલીનું 71 વર્ષની વયે નિધન થયું હતું. ફાસ્ટ બોલર તરીકે કરિયર શરૂ કર્યા બાદ થોડા સમય પછી ઓફ સ્પિનર બનનારા યાર્ડલી કેન્સરથી પીડાતા હતા. તેમણે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની કુનુનુરા જિલ્લા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મિડલેંડમાં 5 સપ્ટેમ્બર, 1947ના રોજ જન્મેલા યાર્ડલીએ જાન્યુઆરી 1978માં ભારત સામે એડિલેડમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે યાર્ડલીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, બ્રૂસ ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે મેદાનની અંદર તથા બહાર અનેક પ્રકારની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે કોમેન્ટેટર તરીકે પણ સેવા આપી હતી.


યાર્ડલી 1996થી1998 સુધી શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમના કોચ પણ હતા. તેઓ મુથૈયા મુરલીધરનની બોલિંગ એક્શનના સમર્થક હતા. યાર્ડલીએ 33 ટેસ્ટ મેચમાં 126 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેઓ છ વખત ઈનિંગમાં પાંચ કે તેથી વધારે વિકેટ ખેરવી હતી. તેમણે એક વખત મેચમાં 10 વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત ચાર અડધી સદીની મદદથી 978 રન પણ બનાવ્યા હતા. યાર્ડલી 7 વન ડે પણ રમ્યા હતા, જેમાં તેમણે 7 વિકેટ લીધી હતી.


યાર્ડલીએ 105 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2738 રન બનાવવાની સાથે 344 વિકેટ ઝડપી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 31 કેચ પણ પકડ્યા હતા.