નવી દિલ્હી: વર્લ્ડ કપ બાદ અત્યારે સૌથી વધારે ચર્ચા મહેન્દ્ર સિંહ ધોનીનાં સંન્યાસને લઈને ચાલી રહી છે. જોકે આ દરમિયાન ભારતીય ટીમનાં પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક વાતચીત દરમિયાન ગંભીરે કહ્યું હતું કે, ધોનીએ વર્ષ 2012માં જ આ નિર્ણય લઈ લીધો હતો કે હું, સેહવાગ અને સચિન 2015માં થનારો વર્લ્ડ કપ નહીં રમીએ.

આ ઉપરાંત તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સ્પષ્ટ રીતે એ નિવેદન આપ્યું હતું કે, તે પ્લેઈંગ ઈલેવનમાં સચિન, ગંભીર અને સેહવાગને એક સાથે તક નહીં આપી શકે. એમએસ ધોનીએ વર્ષ 2012માં કહ્યું હતું કે, સચિન, સેહવાગ અને ગંભીરને એક સાથે પ્લેઇંગ ઇલેવનમાં નહીં રમાડવામાં આવે કેમ કે તેમની ફીલ્ડિંગ સારી નથી.

ધોનીનું આવું કહેવું મારા માટે ઝાટકા સમાન હતું. આ કોઈપણ ક્રિકેટર માટે એક ઝાટકા સમાન હોત. મેં ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ તમને વર્ષ 2012માં જ જણાવી દે કે તમે 2015નો વર્લ્ડ કપ નહીં રમો. મને હંમેશા લાગતું હતું કે જો તમે રન બનાવી રહ્યા છો તો ઉંમર એક નંબર છે.

ગૌતમ ગંભીરે એ પણ કહ્યું હતું કે, ધોનીથી આગળ જોવાનો સમય આવી ગયો છે. જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે તે પણ ભવિષ્ય તરફ જોતો હતો. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ભવિષ્યનાં ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો અને તેણે ઈમોશનલ નહીં પરંતુ પ્રેક્ટિલ નિર્ણય લીધો હતો.

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, હવે ઋષભ પંત, સંજૂ સેમસન અને ઈશાન કિશન જેવા વિકેટકીપર્સ પર ધ્યાન લગાવવાનો સમય આવી ગયો છે. તેમને એકથી દોઢ વર્ષનો સમય મળવો જોઈ અને જો તેઓ સારું પ્રદર્શન ના કરે તો બીજા ખેલાડીને તક મળવી જોઇએ.