નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પોતાના બેબાક નિવેદન માટે જાણીતો છે. ટીમ ઇન્ડિયાને લઈને અલગ-અલગ મુદ્દા ઉપર પોતાની વાત રાખનાર ગંભીરે હવે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને મોટું નિવેદન કર્યું છે. ગંભીરે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ફક્ત ધોની ઉપર છોડવો ઠીક નથી. મહેન્દ્રસિંહ ધોની 2023ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે મેદાનમાં ઊતરે તેવું મને લાગતું નથી.

ગંભીરે જણાવ્યું છે કે નિવૃત્તિનો નિર્ણય ચોક્કસથી અંગત છે. જ્યાં સુધી તમે રમવા ઈચ્છો છો ત્યાં સુધી તમને રમવા દેવામાં આવે છે. પરંતુ તેની સાથે તમારે ભવિષ્યને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. આવા સમયે કોઈ પણ કેપ્ટન તે વિરાટ કોહલી હોય તે બીજો કોઈ. તેમણે હિંમત બતાવી કહેવું જોઈએ કે આ ખેલાડી ભવિષ્યની યોજનાઓમાં ફિટ બેસી રહ્યો નથી. સમય આવી ગયો છે કે આગામી ચાર-પાંચ વર્ષો માટે કેટલાક યુવા ખેલાડીઓને શોધવાનું કામ કરવામાં આવે. અહીં વાત ધોનીની નથી પણ દેશની છે. વાત વર્લ્ડ કપ જીતવાની છે.



ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આગામી વર્લ્ડ કપ માટે વિકેટકીપર તરીતે ઋષભ પંત કે સંજૂ સેમસનને તક આપવી જોઈએ. તેણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આગામી ચાર-પાંચ વર્ષમાં યુવાન ખેલાડીઓને તૈયાર કરવા જોઈએ કેમ કે આ ફક્ત ધોની વિશે જ નથી પરંતુ દેશ વિશે છે. જો તમે મને વ્યક્તિગત રીતે પૂછશો તો હું ચોક્કસથી કહીશ કે હવે ભારતીય ક્રિકેટે ધોનીથી આગળ વધવાનો સમય આવી ગયો છે.