નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયા ઘર આંગણે સતત 11 ટેસ્ટ શ્રેણી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ હતી.  આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશિપ અને બેટિંગની પાકિસ્તાનની ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તેની યૂટ્યુબ ચેનલ પર પ્રશંસા કરી હતી.



શોએબે અખ્તરે વિરાટ કોહલીને વિશ્વના સફળ કેપ્ટનો પૈકીનો એક ગણાવ્યો છે. શોએબે તેના યુટ્યૂબ વીડિયોમાં કહ્યું, વર્લ્ડકપ બાદ વિરાટની કેપ્ટનશિપમાં નિખાર આવ્યો છે. તે વર્લ્ડકપની ભૂલમાંથી ઘણું શીખ્યો છે. ટીમમાં કોને સ્થાન આપવું જોઈએ અને કોને નહીં તે સમજમાં આવી ગયું છે. આ બધાથી પણ મોટી વાત છે કે તેને ટીમ બનાવતાં આવડી ગયું છે. તે દુનિયાના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે.

આજે દુઃખની વાત એ છે કે વિશ્વમાં સારા કેપ્ટન નથી. માત્ર વિરાટ અને કેન વિલિયમસન જ છે. વિરાટની સૌથી સારી વાત એ છે કે તે ડરતો નથી.