પૂર્વ રણજી ખેલાડી એમ સુરેશ કુમારે શુક્રવારે રાત્રે આત્મહત્યા કરી લીધી છે. 47 વર્ષના એમ સુરેશ કુમારની આત્મહત્યા કરવાની જાણકારી પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું કે એમ સુરેશ કુમારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી અને તેની બોડી ત્યાંથી જ મળી આવી છે. એમ સુરેશ ઓલરાઉન્ડર હતા અને રણજી ટ્રોફીમાં કેરળ માટે રમતા હતા.


એમ સુરેશ કુમારે 1992-93માં રણજી ડેબ્યૂ કર્યું હતું અને 2005-06 સુધી તેમણે 72 મેચ રમી હતી. એમ સુરેશ કુમારે આ 72 મેચમાં  1,657 રન બનાવ્યા સાથે 196 વિકેટ પણ ઝડપી હતી. પરંતુ સુરેશ કુમારને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક ક્યારેય ન મળી.

સુરેશ કુમારે કેરળ માટે 52 રણજી મેચ રમી અને રેલવે માટે તેમણે 17 રણજી મેચ રમી. સુરેશ કુમાર રેલવેમાં નોકરી કરી રહ્યા હતા. સુરેશ કુમારે દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોન અને સેન્ટ્રેલ ઝોન તરફથી કિસ્મત અજમાવી હતી.

એમ સુરેશે ઈન્ડિયા તરફથી અન્ડર 19 ક્રિકેટ રમી હતી. એટલું જ નહી એમ સુરેશનું 1992માં વનડે ટીમમાં પસંદગી થઈ હતી પરંતું તેને મેચ રમવાની તક ન મળી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ એમ સુરેશની બોલિંગના વખાણ કરી ચૂક્યા છે.

13 વર્ષની ઉંમરમાં સુરેશ કુમારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 90 ના દશકમાં એમ સુરેશે કેરળની તમિલનાડુ પર પ્રથમ જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.