નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે પ્રસાદના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં આંધ્રપ્રદેશના જાણીતા ક્રિકેટર નાગરાજુની વિજયવાડા પોલીસે ધરપરકડ કરી છે. નાગરાજૂ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે સતત 82 કલાક નેટ પ્રેક્ટિસ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પૂણેના ક્રિકેટર વિરાગ મારેના 50 કલાક સુધી ક્રિકેટ રમવાનો રેકોર્ડ તોડ્યો હતો. તેના બાદ તેને ખૂબ પ્રસિદ્ધી મળી હતી.




બીસીસીઆઈના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે વિજયવાડા સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નાગરાજુ વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી. તેના બાદ ગુરુવારે ગન્નવરમ એરપોર્ટ પરથી નાગરાજુની ધરપકડ કરવામાં આવી હતી.


તેના પર આરોપ છે કે તે અનેક ઉદ્યોગપતિઓ સાથે એમએસકે પ્રસાદના નામનો ઉપયોગ કરીને ક્રિકેટના નામે છેતરપિંડી કરી રહ્યો  હતો. નાગરાજુ ફોન પર પોતાની ઓળખ એમએસકે પ્રસાદ તરીકે આપતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસે તેની પાસેથી એક બાઈક અને 1.8 લાખ રૂપિયા કેસ જપ્ત કર્યા છે.



પોલીસે જણાવ્યું કે આ પહેલા પણ તેની વિશાખાપટ્ટનમમાં અન્ય બે કેસમા ધકપકડ કરવામાં આવી હતી. એક કિસ્સામાં તેણે આંધ્રના મંત્રી શ્રીનિવાસ રાવના પીએ તરીકે ઓળખ આપી હોસ્પિટલ પાસેથી 60 હજારની છેતરપિંડી કરી હતી. જ્યારે આ વર્ષે ફેર્બ્રુઆરીમાં ટી-20 મેચની ટિકિટોને લઈને મનોજ નામના વ્યક્તિ સાથે 20 હજારની છેતરપિંડી કરી હતી.



આ પહેલા પણ નાગરાજુ પર છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ હતી. 2014માં તેણે મહેન્દ્રસિંહ ધોનીના નામ પર ક્રિકેટ એકેડમી ખોલવાના નામે છેતરપિંડી કરી હતી. તેના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં જામીન પર છોડી દીધો હતો.

નાગરાજુ વિશાખાપટ્ટનમના મધુરવાડામાં રહેતો હતો. તે રણજી ક્રિકેટ પણ રમી ચુક્યો છે. નાગારાજુએ 2014માં રણજી ક્રિકેટમાં આંધ્ર પ્રદેશની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.