સિદ્ધપુર: પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડો. તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતાં આઈશરે ટક્કર મારતા ગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

અમદાવાદના ખ્યાતનામ તબીબ તુષાર પટેલ તેમના નવા ઘરના વાસ્તુ પ્રસંગે આમંત્રણ પત્રિકા આપવા શનિવારે ઉત્તર ગુજરાત ગયા હતા. પરંતુ પરત ફરતી વખતે છાપી હાઈવેથી અમદાવાદ જઈ રહ્યા હતા.

ત્યારે ધારેવાડા પાસે અચાનક એક ટ્રક રોંગ સાઈડથી આવી તબીબની કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ડોક્ટર તુષાર પટેલ અને કાર ચાલક બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ડોક્ટર તુષાર પટેલના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને બચાવ કામગીરી માટે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.

આ અકસ્માત બાદ મૃતક તબીબના પુત્રને સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યો હતો. જ્યારે મૃતક તબીબ અને તેમના ડ્રાઈવરનું જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે પીએમ કરવા આવ્યું હતું.