નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. ખેલાડીઓ પણ તેનાથી બચી શક્યા નથી. ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન અને ન્યૂઝિલેન્ડના લોકી ફર્ગ્યૂસનમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા પરંતુ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. હવે ક્રિકેટ જગતમાં કોરોના પોઝિટીવનો પ્રથમ કેસ સામે આવ્યો છે.




વાસ્તવમાં પાકિસ્તાન મૂળના ઓફ સ્પિનર માજિદ હકનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. સ્કોટલેન્ડના પાકિસ્તાની મૂળના ક્રિકેટર માજિદ હકને શુક્રવારે કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો હતો. માજિદે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. માજિદની સારવાર હાલમાં ગ્લાસ્ગોમાં રોયલ અલેક્સાંદ્રા હોસ્પિટલમાં ચાલી રહી છે.

માજિદે ટ્વિટર પર લખ્યું કે, કોરોના વાયરસ પોઝિટીવ આવ્યા બાદ આજે બની શકે છે હું ઘરે જઇશ. હોસ્પિટલના સ્ટાફ અને મેસેજ મોકલનારાઓનો આભાર. જલદી સ્વસ્થ થઇને પાછો ફરીશ. માજિદે સ્કોટલેન્ડ તરફથી 2006માં બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. માજિદે છેલ્લે સ્કોટલેન્ડ માટે વર્લ્ડકપ 2015માં બાંગ્લાદેશ વિરુદ્દ મેચ રમી હતી.