આ લીગમાં પોતાની પહેલી મેચ રમી રહેલો યુવરાજ તેના જાણીતા અંદાજમાં રમતો જોવા મળ્યો નહતો. યુવી અહીં 27 બોલમાં 14 રન જ બનાવી શક્યો હતો. આ દરમિયાન યુવી આઉટ ન હોવા છતાં ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને માનીને પેવેલિયનમાં પરત ફર્યો હતો.
યુવરાજની કેપ્ટનશિપવાળી ટોરન્ટો નેશનલ્સ ક્રિસ ગેલની ટીમ વેન્કુવર નાઈટ્સની સામે ટી20 લીગની બીજી સીઝનની પહેલી મેચમાં ટકરાઈ હતી. ગેલે ટોસ જીતીને ટોરન્ટો નેશનલ્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
યુવરાજ સિંહ ચોથા નંબરે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો પરંતુ તે પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો ન હતો. વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા યુવરાજે 27 બોલમાં 14 રનની ઈનિંગ રમી હતી અને અજબ રીતે આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો.
ઈનિંગની 17મી ઓવરમાં રિઝવાન ચીમાનો દડો યુવીના બેટની કિનારીએ અડીને વિકેટકીપરના હાથમાં વાગ્યો હતો. કીપર ટોબાયસ બિસે એક સરળ કેચ છોડી દીધો હતો. જોકે બોલ તેના ગ્લવ્ઝને ટકરાઈને સ્ટમ્પ્સ સાથે ટકરાયો હતો. યુવરાજનો પગ ક્રીઝની અંદર હતો પરંતુ નોન-ફિલ્ડ અમ્પાયર નિર્ણય આપે તે પહેલા જ યુવી મેદાન છોડીને બહાર ચાલવા લાગ્યો હતો.