નવી દિલ્હીઃ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે ટેસ્ટમાં અણનમ 335 રનની ઈનિંગ રમી હતી અને તે બ્રાયન લારાના ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 400 રનના વર્લ્ડ રેકોર્ડ તોડે તેમ લાગતું હતું. પરંતુ કેપ્ટન ટીમ પેન દાવ ડિકલેર કરી દેતા આમ થઈ શક્યું નહોતું. જે બાદ વર્લ્ડ ક્રિકેટમાં કયો ક્રિકેટર લારાનો આ રેકોર્ડ તોડી શકે તેની ચર્ચા શરૂ થઈ છે. આ દરમિયાન લારાએ  તેના વર્લ્ડ રેકોર્ડને લઈ એક મોટું નિવેદન આપ્યું છે.



લારાએ કહ્યું, ભારતના બે બેટ્સમેનો મારો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને પૃથ્વી શૉ એવા બે બેટ્સમેન છે જે 400 રનની ઈનિંગ રમી શકે છે. રોહિત શર્મા જેવા ક્રિકેટર અંગે આપણને ખબર નથી કે તે હજુ પણ ટેસ્ટ ક્રિકેટર છે કે નહીં. જો તેનું બેટ ચાલવા લાગે તો કંઈ પણ કરી શકે છે. રોહિત શર્મા આક્રમકતા સાથે 400 રન સુધી પહોંચી શકે છે.



રોહિત ઉપરાંત પૃથ્વી શૉ પણ આ કામ કરી શકે છે. આવું એટલા માટે કે તેણે પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. ઉપરાંત તે ઘરેલુ ક્રિકેટમાં પણ ઘણી લાંબી ઈનિંગ રમી ચુક્યો છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં 400 રનની આસપાસ પણ પહોંચવું એક મોટી વાત હોય છે.



બ્રાયન લારાએ 131 ટેસ્ટની 232 ઈનિંગમાં 52.9ની સરેરાશથી 11,953 રન બનાવ્યા છે. જેમાં 34 સદી અને 48 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 400 રન છે. જે તેણે 2003માં ઈંગ્લેન્ડ સામે રમતી વખતે એન્ટિગુઆમાં બનાવ્યો હતો. 299 વનડેમાં લારાએ 40.5ની સરેરાશથી 10,405 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 63 અડધી સદી સામેલ છે.

જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગત