રશિયા: ફ્રાંસ ફીફા વર્લ્ડ કપ 2018નું ચેમ્પિયન બન્યું છે. રશિયાની રાજધાની મોસ્કોમાં રમાઈ રહેલા ફાઈનલ મુકાબલામાં તેણે ક્રોએશિયાને 4-2થી હરાવ્યું. આ સાથે જ ફ્રાંસે 20 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો અને ક્રોએશિયાનો પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું. ફ્રાંસ આ પહેલા 1998માં ચેમ્પિયન બની હતી. ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે  લુઝનિકી સ્ટેડિયમમાં 21માં ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ મેચ રમાઈ હતી.

ક્રોએશિયાના મેન્ડઝુકિચે મેચની શરૂઆતમાં આત્મઘાતી ગોલ કરતા ફ્રાન્સને 1-0થી મહત્વની લીડ મળી હતી. તેણે 18મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. ક્રોએશિયાના પેરસિકે 28મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. આ પછી ફ્રાન્સને 38મી મિનિટે પેનલ્ટી મળી હતી. જેમાં ગ્રીઝમેને ગોલ કરીને ફ્રાન્સને 2-1થી લીડ અપાવી હતી.

સ્ટાર ખેલાડી પોગ્બાએ 59મી મિનિટે અને એમબાપેએ 65મી મિનિટે ગોલ કરી ફ્રાન્સની લીડ 4-1 કરી દીધી હતી. ફ્રાન્સના ગોલકીપરની ભુલથી મેન્ડઝુકિચે ગોલ કરીને ક્રોએશિયાની લીડ 2-4 કરી દીધી હતી. આ પછી એકપણ ગોલ થયો ન હતો.

ફ્રાન્સે ત્રીજી અને ક્રોએશિયાએ પહેલીવાર ફાઇનલ મેચમાં સ્થાન મેળવ્યું છે. બંન્ને ટીમોએ અગાઉની મેચના જ ખેલાડીઓને રીપીટ કર્યા હતા. બંન્ને ટીમો વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ટક્કર 1998 સેમીફાઇનલમાં  થઇ છે. જેમાં ફ્રાન્સની 2-1થી જીત થઇ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય મેચમાં ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે પાંચ વાર ટક્કર થઇ છે. જેમાં ફ્રાન્સે શરૂઆતી 3 મેચમાં જીત મેળવી હતી. જ્યારે બે વાર બરાબરીનો મુકાબલો થયો હતો.