નવી દિલ્હીઃ ઇન્ડિયન  પ્રિમિયર લીગની 11મી સીઝનના પ્રારંભિક તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન ગૌતમ ગંભીરે કેપ્ટનશીપ છોડી દીધી છે. ગંભીરના બદલે યુવા બેટ્સમેન શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ ગંભીર ટીમનો ભાગ રહેશે.

ગૌતમ ગંભીરે કોલક્તા નાઇટરાઇડર્સની કેપ્ટન તરીકે ટીમને બે વખત ચેમ્પિયન બનાવી હતી. આ સીઝનની શરૂઆતમાં ગંભીરે  જાહેરાત કરી હતી કે તે દિલ્હીને ચેમ્પિયન બનાવીને નિવૃતિ જાહેર કરશે. પરંતુ અત્યાર સુધીના ટીમના ખરાબ પ્રદર્શને કારણે ગંભીરે કેપ્ટન તરીકે નિવૃતિ જાહેર કરી દીધી હતી.

ગંભીરે કહ્યું કે, મે ટીમને યોગ્ય યોગદાન આપ્ચું નથી. કેપ્ટન તરીકે મારી જવાબદારી લેવાની હતી. મને લાગે છે કે આ યોગ્ય સમય હતો. હું કેપ્ટન તરીકેનો દબાવ સહન કરી શકતો નથી. જેને કારણે કેપ્ટનશીપ છોડી છે. દિલ્હી ફ્રેન્ચાઇઝીનું કોઇ દબાણ નહોતું. આ નિર્ણયને લઇને મે મારી પત્ની સાથે પણ વાત કરી હતી. ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેની સાથે પોન્ટિંગ અને ફ્રેન્ચાઇઝીના સીઇઓ હેમંત દુઆ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે દિલ્હીના ટીમે અત્યાર સુધીમાં છ મેચમાંથી પાંચ મેચ હારી છે. પોઇન્ટ ટેબલમા દિલ્હી અંતિમ સ્થાને છે.