નવી દિલ્હીઃ સ્ટાર પહેલવાન ગીતા ફોગાટે સોમવારે જાહેરાત કરી કે તે ટૂંકમાં જ માતા બનવાની છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને આ ખુશખબર આપ્યા છે. પોતાની તસવીરની સાથે ગીતાએ એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

ફોટો શેર કરતાં તેણે લખ્યું કે, ‘એક માતાની ખુશી ત્યારે શરૂ થાય છે જયારે તેની અંદર એક નવો જીવ હલનચલન કરતો હોય, જ્યારે નાના ધબકારા તમને પહેલીવાર સંભળાય અને એક પ્લેફુલ કિક જે તમને યાદ અપાવે છે કે તે ક્યારેય એકલો નથી. તમે ક્યારેય લાઈફને નહીં સમજી શકો જ્યાં સુધી એ તમારી અંદર વિકાસ પામતી ન હોય.’

ગીતા ફોગાટે રેસલર પવન કુમાર સાથે 2016માં લગ્ન કર્યાં હતાં. ગીતા ફોગાટે ટીવી રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં પણ ભાગ લીધો હતો. ગીતાની બહેન બબીતા ફોગાટ હાલ ‘નચ બલિયે 9’માં કન્ટેસ્ટન્ટ છે.


ગીતા ફોગાટ ભારતની પહેલી મહિલા હતી જેણે રેસલિંગમાં કોમનવેલ્થ ગેમ્સમાં 2010માં ગોલ્ડ મેડલ મળ્યો હતો. ઉપરાંત તે ઓલિમ્પિક સમર ગેમ્સમાં ક્વોલિફાય થનારી પહેલી ફિમેલ રેસલર હતી.

નોંધનીય છે કે, 2016માં આવેલ આમિર ખાનની ફિલ્મ દંગલ ફોગાટ પરિવાર પર જ આધારિત હતી અને બોક્સ ઓપિસ પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1700 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કર્યો હતો.