Asian Para Games 2023: ભારતીય પેરા એથ્લેટ્સ એશિયન પેરા ગેમ્સમાં અદભૂત પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે ટુનામેન્ટ્સના ત્રીજા દિવસે પણ સારુ પ્રદર્શન કર્યું છે. દરમિયાન ભારતના હેનીએ ટીમ ઈન્ડિયા માટે 11મો ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ ભાલા ફેંકમાં 55.97 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે અવિશ્વસનીય પ્રદર્શન કર્યું. ભારતના 17 વર્ષના પેરા એથ્લેટ હેનીએ પુરુષોની ભાલા ફેંક F37ની ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. તેના ત્રીજા પ્રયાસમાં તેણે 55.97 મીટરના થ્રો સાથે નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. હેનીએ અગાઉના 46.28 મીટરના રેકોર્ડને તોડી નાખ્યો. તેના સિવાય બોબી એ જ ઈવેન્ટમાં 42.23 મીટર સાથે છઠ્ઠા ક્રમે રહ્યો હતો.






આ એથ્લેટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો


હેની ઉપરાંત સુમિત અંતિલ અને પુષ્પેન્દ્ર સિંહે એશિયન પેરા ગેમ્સના ત્રીજા દિવસે ભારત માટે શાનદાર શરૂઆત કરી, બંનેએ પુરુષોની F64 જેવલિન થ્રો ઇવેન્ટમાં અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સુમિતે 73.29 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો. સુમિતે 66.22 મીટરના થ્રોથી શરૂઆત કરી અને બીજા પ્રયાસમાં 70.48 મીટર સાથે તેમાં સુધારો કર્યો અને અંતે ત્રીજા પ્રયાસમાં રેકોર્ડ બ્રેક થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.






અંતિલ આવતા વર્ષે પેરિસમાં ભાગ લેવા માટે તૈયાર છે, જેણે હાંગઝોઉમાં પોડિયમમાં ટોચ પર રહીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતે ભાલા ફેંકમાં તેનું સાતત્યપૂર્ણ પ્રદર્શન યથાવત રાખ્યું છે. આ વર્ષની શરૂઆતમાં નીરજ ચોપરા અને કિશોરે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા.


એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં ક્લાસ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.