નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ હાલમાં પોતાની પીઠની સારવાર માટે ઇંગ્લેન્ડમાં છે. અહીંયા હાર્દિક પંડ્યાએ પોતાની લૉઅર બેકની ઈજાની સર્જરી કરાવી. સર્જરીના લગભગ 4-5 દિવસ પછી હાર્દિકે હવે ચાલવાનું શરૂ કર્યુ છે. મંગળવારે મોડી રાત્રે હાર્દિકે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં હાર્દિક ધીમે ધીમે ચાલી રહ્યો છે. હાર્દિકનો આ વીડિયો જોઇને ફેન્સ તે જલ્દીથી ઠીક થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

હાર્દિકે વીડિયો શૅર કરતાં લખ્યું કે, નાના ડગલાં...પરંતુ મારી પૂરી ફિટનેસની રાહ અહીંથી શરૂ થઈ જાય છે અને હવે દરેકને તેમના સમર્થન અને શુભેચ્છાઓ માટે ધન્યવાદ... તે મારા માટે ખૂબ મહત્વના છે.


નોંધનીય છે કે, પીઠાના નીચેના ભાગમાં ઇજા પહોંચતા હાર્દિકે સર્જરી કરાવી હતી જેણો એક ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરતા લખ્યુ કે, ''સર્જરી સફળ રહી. તમારી પ્રાર્થના માટે આભાર, જલ્દીથી પરત ફરીશ, ત્યાં સુધી મને યાદ કરતા રહેજો.'' આ સાથે જ તેણે હોસ્પિટલ બેડ પર સૂતા એક ફોટો શૅર કરી છે.

નોંધનીય છે કે, બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાની ઈજા વિશે જાણકારી આપી હતી. દક્ષિણ આફ્રિકા ની વિરુદ્ધ ટી-20 સીરીઝ બાદ બીસીસીઆઈએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, હાર્દિકે 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ અંતિમ ટી-20 મેચ બાદ પીઠના નીચલા હિસ્સામાં દુખાવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે ઈંગ્લેન્ડમાં કરોડરજ્જુના એક્સપર્ટ્સની સલાહ લીધી હતી, જેઓએ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સર્જરીની સલાહ આપી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા સર્જરી માટે લંડન જવા રવાના થઈ ગયો હતો.