દુબઈઃ દુબઈમાં ગુરુવારે રમાયેલી T-20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાન જીતના આરે હતું ત્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ 19મી ઓવરના ત્રીજા બોલે મેથ્યૂ વેડનો કેચ છોડ્યો હતો. એ વખતે ઓસ્ટ્રેલિયાએ 10 બોલમાં 20 રન કરવાના હતા. વેડ આઉટ થયો હોત તો ઓસ્ટ્રેલિયાએ 9 બોલમાં 20 રન કરવાના આવ્યા હોત પણ હસને કેચ છોડતાં વેડે લીધેલા બે રન માન્ય ગણાયા હતા ને ઓસ્ટ્રેલિયાએ 9 બોલમાં 18 રન કરવાના આવ્યા હતા.


આ મોકાનો ફાયદો ઉઠાવી વેડે સળંગ 3 બોલમાં 3 સિક્સર મારી મેચ જિતાડી દીધી હતી. હસન અલીની એક ભૂલ પાકિસ્તાનને ભારે પડી ગઈ હતી. હસન અલીએ કેચ નહીં પણ વર્લ્ડ કપ ડ્રોપ કર્યો છે એવી કોમેન્ટ્સ થઈ રહી છે.




હસન અલીએ છોડેલા કેચને સૌ 1999ના વર્લ્ડ કપની સુપર સિક્સ મેચમાં દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સે સ્ટીવન વોનો કેચ છોડ્યો એ ઘટના સાથે સરખાવી રહ્યા છે. 13 જૂન, 199ના રોજ રમાયેલી દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાની સુપર સિક્સ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે 271 રન કર્યા હતા. ગિબ્સે શાનદાર સદી ફટકારીને 101 રન કર્યા હતા.


ઓસ્ટ્રેલિયાની બેટિંગ વખતે ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ 48 રનમાં પડી જતાં ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં હતું. એ પછી કેપ્ટન સ્ટીવ વોએ રીકી પોન્ટિંગ સાથે ટીમને સ્થિરતા આપી હતી. મેચની 31મી ઓવરમાં લાન્સ ક્લુસનરની બોલિંગમાં સ્ટીવ વોએ ભૂલ કરી અને ગિબ્સ પાસે મિડ વિકેટ પર સરળ કેચ ગયો. ગિબ્સે કેટ પકડી લીધો પણ અતિ ઉત્સાહમાં બોલ ઉછાળવા જતાં તેના હાથમાંથી બોલ પડી ગયો ને વો બચી ગયો. વોએ આ મેચમાં અણનમ 120 રન કરીને ઓસ્ટ્રેલિયાને જીતાડી દીધું.


આ વર્લ્ડ કપની સેમી ફાઈનલ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી ને આ મેચ ટાઈ થઈ હતી પણ સુપર સિક્સની દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાની મેચમાં ઓસ્ટ્રેલિયા જીતેલું તેથી ઓસ્ટ્રેલિયાને વિજેતા જાહેર કરાયું. ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચ્યું અને ચેમ્પિયન બન્યું. 


જુઓ યુટ્યૂબ પરનો વીડિયો