ભારતીય હૉકી ટીમના મહાન ગોલકીપર પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ગોલ્ડ મેડલનું સપનું લઈને આવેલા આ ખેલાડીની ઈચ્છા તો પૂરી ન થઈ પરંતુ તે પેરિસ ઓલિમ્પિકમાંથી ખાલી હાથ પાછો ફર્યો નહીં. ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને પોતાના સ્ટાર ગોલકીપરને યાદગાર વિદાય આપી હતી. હૉકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશને લઈને મોટો નિર્ણય લીધો છે. આ દિગ્ગજની સાથે તેની 16 નંબરની જર્સી પણ રિટાયર કરવામાં આવી છે.






હૉકી ઈન્ડિયાએ બુધવારે જાણીતા ગોલકીપર પીઆર શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં સમાપ્ત થયેલ પેરિસ ગેમ્સમાં દેશને સતત બીજો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ શ્રીજેશે રમતમાંથી નિવૃત્તિ લીધી હતી. હૉકી ઈન્ડિયાના મહાસચિવ ભોલા નાથ સિંહે પણ જાહેરાત કરી હતી કે લગભગ બે દાયકાથી 16 નંબરની જર્સી પહેરનાર 36 વર્ષીય શ્રીજેશ જૂનિયર રાષ્ટ્રીય કોચની ભૂમિકા નિભાવશે.






શ્રીજેશના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભોલા નાથે કહ્યું હતું કે , “શ્રીજેશ હવે જૂનિયર ટીમનો કોચ બનવા જઈ રહ્યો છે. અમે સિનિયર ટીમ માટે 16 નંબરની જર્સી નિવૃત્ત કરી રહ્યા છીએ. અમે જૂનિયર ટીમ માટે 16 નંબરની જર્સી નિવૃત્ત નથી કરી રહ્યા. શ્રીજેશ જૂનિયર ટીમમાં બીજા શ્રીજેશને તૈયાર કરશે. 


નોંધનીય છે કે જો કે પીઆર શ્રીજેશ હવે ભારતીય હૉકી ટીમનો ભાગ નહીં હોય પરંતુ તેણે પોતાની કારકિર્દીને નવા વળાંક આપવાનો નિર્ણય કર્યો હતો. હૉકી ઈન્ડિયાના મહાસચિવ ભોલા નાથ સિંહે જાહેરાત કરી કે શ્રીજેશ ભારતીય જૂનિયર પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું હતું કે  "ગોલકીપર પીઆર શ્રીજેશ આજે તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે, પરંતુ હું એ જાહેરાત કરવા માંગુ છું કે શ્રીજેશ જૂનિયર ભારતીય હોકી ટીમનો મુખ્ય કોચ હશે. અમે આ મામલે એસએઆઇ અને ભારત સરકાર સાથે ચર્ચા કરીશું.