નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશવા માટે સંઘર્ષ કરી રહેલા સુરેશ રૈનાનું માનવું છે તે હજુ પણ વન-ડે અને ટી-20 ટીમમાં ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. રૈનાએ અંતિમ વન-ડે ગયા વર્ષે ઇગ્લેન્ડ સામે રમી હતી અને તે હવે ટી-20 વર્લ્ડકપ અગાઉ ટીમમાં વાપસીના પ્રયાસ કરી રહ્યો છે. વર્ષ 2020 અને 2021માં સતત બે ટી-20 વર્લ્ડકપ રમાશે. રૈનાએ કહ્યું કે, હું ભારત તરફથી ચોથા ક્રમ પર બેટિંગ કરી શકું છું.  મે અગાઉ પણ આ નંબર પર બેટિંગ કરી સારુ પ્રદર્શન કર્યું છે. બે વર્લ્ડકપ રમાવાના છે ત્યારે હું તકની રાહ જોઇ રહ્યો છું.

ભારતીય ટીમમાં ચોથા નંબરનું સ્થાન લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક સમય અગાઉ અંબાતી રાયડુને નંબર ચાર પર રમાડ્યા બાદ પસંદગીકારોએ વર્લ્ડકપ માટે વિજય શંકરને ટીમમાં પસંદ કર્યો હતો. શંકર ઇજાગ્રસ્ત થતા યુવા બેટ્સમેન પંતને આ સ્થાન પર તક આપવામાં આવી રહી છે પરંતુ તે સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે.

પંતને લઇને રૈનાએ કહ્યું કે, તે ભ્રમમાં હોય તેવું લાગી રહ્યું છે. તે પોતાની નૈસગિક રમત રમી રહ્યો નથી. લાગે છે કે તે ચીજોને સમજી રહ્યો નથી. કોઇએ તેની સાથે વાત કરવાની જરૂર છે જેમ મહેન્દ્રસિંહ ધોની ખેલાડીઓ સાથે વાત કરતો હતો. ક્રિકેટ એક માનસિક રમત છે અને પંતને સમર્થનની જરૂર છે જેથી તે  પોતાની આક્રમક રમત રમી શકે.