નવી દિલ્હીઃ સગીરા પર બળાત્કારના કેસમાં દોષિત જાહેર થયેલા આસારામ અને વડાપ્રધાન મોદીનો એક વીડિયો પોસ્ટ કરવાને લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વિવાદમાં ફસાઇ ગઇ છે. વાસ્તવમાં આસારામ પર કોર્ટના ચુકાદા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સતાવાર ટ્વિટર પેજ પર મોદી અને આસારામનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું નારાયણ નારાયણ. જોકે, બાદમાં આઇસીસીએ આ ટ્વિટને ડિલિટ કરી દીધી હતી અને માફી માંગતી એક ટ્વિટ પણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં યુઝર્સે સ્ક્રીન શોર્ટ લઇને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, આ વીડિયો નરેન્દ્ર મોદી વડાપ્રધાન તે અગાઉનો છે. જે વીડિયો આઇસીસીએ ટ્વિટર પર શેર કર્યો છે તે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કોગ્રેસે પણ આ ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો હતો.
ICCએ આ ભૂલ પર માફી માંગતા કહ્યું કે, આજે ક્રિકેટ સિવાયનો વીડિયો ટ્વિટર પેજ પર પોસ્ટ કરવાથી અમે નિરાશ છીએ. અમે તમામ લોકોની ઇમાનદારીથી માફી માંગીએ છીએ. અમે તેની તપાસ કરી રહ્યા છીએ કે આખરે આવું કેવી રીતે બન્યું. નોંધનીય છે કે સગીરા પર બળાત્કાર કરવા મામલે જોધપુર કોર્ટે આસારામને દોષિત ઠેરવી ઉંમર કેદની સજા આપી હતી.