નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈના રોજ 38મો જન્મદિવસ ઉજવશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ શનિવારે આ ખેલાડીની પ્રશંસા કરી હતી. આઇસીસીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટની તસવીર બદલી નાંખવામાં ધોનીનો મહત્વનો ફાળો છે.

ધોનીની કેપ્ટનશિપમાં ભારતે તમામ મોટી આઈસીસી ટુર્નામેન્ટ જીતી છે. આવું કારનામું કરનારો તે એકમાત્ર કેપ્ટન છે. ધોનીએ આઈસીસી 50 ઓવરનો વર્લ્ડકપ, વર્લ્ડકપ ટી20 અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. તેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ટેસ્ટ અને વન ડેમાં નંબર વન સુધી પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ પણ ધોનીના નેતૃત્વમાં જીત્યો છે.

આઈસીસીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે, “એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો હોય. એક એવું નામ જે વિશ્વભમાં લાખો લોકોનો પ્રેરણાસ્ત્રોત છે. એક એવું નામ જે નિર્વિવાદિત છે. મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક નામ નથી.”


આ ક્લિપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલર જસપ્રીત બુમરાહ ધોનીએ તેમના ક્રિકેટ કૌશલ્યને કેવી રીતે નવી ઊંચાઈ આપી તેની વાત કરે છે. કોહલીએ કહ્યું કે, તે હંમેશા શાંત અને ધૈર્યવાન રહે છે. તેની પાસેથી ઘણું શીખી શકાય છે. તે મારો કેપ્ટન હતો અને હંમેશા રહેશે. અમારો પારસ્પરિક તાલમેલ ઘણો શાનદાર રહ્યો છે. હું હંમેશા તેની સલાહ ધ્યાનથી સાંભળું છું.

બુમરાહે કહ્યું, જ્યારે હું 2016માં આવ્યો ત્યારે તે મારા કેપ્ટન હતા. ટીમ પર તેમનો પ્રભાવ જોઈ શકાય છે અને હંમેશા મદદ માટે તૈયાર રહે છે. વીડિયોની શરૂઆતમાં ઈંગ્લેન્ડના વિકેટકિપર બેટ્સમેન જોસ બટલરથી થાય છે. તે ધોનીને મિસ્ટર કૂલ કહીને સંબોધે છે. બટલર કહે છે કે ધોની હંમેશા તેનો આદર્શ રહ્યો છે.

ધોની એક સમયે વર્લ્ડનો બેસ્ટ ફિનિશર કહેવાતો હતો પરંતુ તાજેતરમાં આલોચનાનો સામનો કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે 30 જૂને તેની બેટિંગને લઇ સવાલ ઉઠ્યા હતા અને બાંગ્લાદેશ સામેની મેચમાં અંતમાં તેની બેટિંગ એપ્રોચને લઈ આલોચના થઈ હતી. ધોનીએ અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 223 રન બનાવ્યા છે.

વર્લ્ડકપ 2019 INDvSL લાઇવ સ્કોર જાણવા અહીં કરો ક્લિક

નિવૃત્તિ પર ધોનીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- લોકો તો કહી રહ્યા છે.....