નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સાથે ટકરાશે. આ સેમીફાઈનલ 5મી માર્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે અન્ય એક સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે.


ઉલ્લેખનીય છે કે, 2018માં પણ આ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં આમને સામને હતી. ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

ભારતે ગ્રુપ-એમાં ટૉપ પર રહેતા સેમિફાઈનલમાં અગાઉથી જ સ્થાન નિશ્ચિત બનાવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ-બીમાં બીજા સ્થાને રહી. ગ્રુપ-એમાં ઑસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને રહી હતી અને તે નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ગ્રુપ-બીની ટોપ ટીમ દક્ષિણ આફ્રિકા સામે સેમીફાઈનલમાં ટકરાશે.

ભારતીય ટીમે ગ્રુપ-એમાં તમામ ચાર મેચ જીતીને કુલ આઠ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ઑસ્ટ્રેલિયાએ ત્રણ જીત સાથે 6 પોઈન્ટ, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ત્રણ જીત અને એક મેચ રદ સાથે કુલ 7 પોઈન્ટ મેળવ્યા છે. ઈંગ્લેન્ડના ચાર મેચ 6 પોઈન્ટ છે.