નવી દિલ્હીઃ વર્લ્ડકપના 40મી મેચમાં બાંગ્લાદેશને હરાવીને ભારત સેમી ફાઈનલમાં પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા બાદ આ વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ છે ભારત. ભારતીય ટીમ સતત ત્રીજી વખત વર્લ્ડકપ સેમી ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા વર્લ્ડકપ 2011માં ભારતે ખિતાબ જીત્યો હતો તો 2015 વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હારી ગયું હતું.

હવે બાકીની બે ટીમ માટે ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ જામશે. પાકિસ્તાનની વાત કરીએ તો 4 નંબરે પોઝીશન ત્યારે મળશે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે. જો એવું થયું તો ઇંગ્લેન્ડ 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે પહોંચી જશે.



પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશને હરાવે છે તો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનના પોઈન્ટ(11-11) બરાબર થઈ જશે. પરંતુ સેમીફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને આ મેચ મોટા અંતરે જીતવી જરૂરી છે. પાકિસ્તાન તેના નેટ રન રેટમાં સુધારો કરે તો પછી ન્યુઝીલેન્ડ 11 પોઈન્ટ હોવા છતા પણ ટોપ 4માંથી બહાર થઈ જશે અને પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચી જશે. રિપોર્ટ મુજબ સેમી ફાઇનલમાં 1 નંબરની ટીમનો મુકાબલો 4 નંબરની ટીમ સાથે જ્યારે 2 નંબરની ટીમનો મુકાબલો 3 નંબરની ટીમ સાથે થશે.

ઓસ્ટેલિયા જો દક્ષિણ અફ્રિકા સામે હારી જાય અને ભારત તેના બન્ને મેચ જીતી જાય તો ભારત પહેલા નંબરે આવી જશે. પાકિસ્તાન જો સેમીફાઇનલમાં પ્રવેશે તો ચોથા નંબરે આવી જશે. જેથી ભારત અને પાકિસ્તાન એકવાર ફરી સેમીફાઇનલમાં સામસામે જોવા મળી શકે છે.