નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ બંને દેશોના સંબંધોમાં તિરાડના કારણે છેલ્લા ઘણાં સમયથી ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે એક પણ મેચ રમાઈ નથી. પરંતુ હવે વર્લ્ડ કપમાં એકવાર ફરી ભારત અને પાકિસ્તાન ટીમ સામસામે ટકરાશે.

આજે અંડર-19 વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચ રમાવવાની છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. બંને ટીમો માટે આ ‘કરો યા મરો’ની સ્થિતિ છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે ખિતાબ જીતવા નજીક પહોંચશે. જ્યારે પરાજય મેળવનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

ભારત અને પાકિસ્તાની ટીમ જ્યારે પણ ક્રિકેટ મેચ રમે છે તે ખૂબ જ રોમાંચક હોય છે. મંગળવારે બંને ટીમો વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ મેચ રમાશે.

અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 વખત મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી 5 વખત પાકિસ્તાન અને 4 વખત ભારતે મેચ જીતી છે. અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988થી લઈને 2018 (1988, 1998, 2002, 2004, 2006, 2010, 2012, 2014 અને 2018) સુધી કુલ 9 મેચ રમાઈ છે.