નોટિંઘમઃ ત્રીજી ટેસ્ટમાં ભારતના પ્રથમ ઈનિંગના 329 રનના સ્કોરનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 38.2 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપી લીધી. જે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ પાંચ વિકેટ હતી. ઈશાંત શર્મા અને બુમરાહને 2-2 તથા શમીને 1 સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ વતી જોસ બટલરે સર્વાધિક 39 રન બનાવ્યા હતા.


ઈંગ્લેન્ડના ઓપનરો કૂક અને જેનિંગ્સે પ્રથમ વિકેટ માટે 54 રનની પાર્ટનરશિપ કરી હતી.  ઈશાંત શર્માએ કૂકને 29 રનના અંગત સ્કોરે વિકેટકિપર પંતના હાથે કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે પછી બુમરાહે જેનિંગ્સને 20 રન પર પંતના હાથે આઉટ કરાવી ભારતને બીજી સફળતા અપાવી હતી. પોપ 13 રન કરી ઈશાંત શર્માનો શિકાર બન્યો ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 75 રન હતો.

ઈંગ્લેન્ડનો સ્કોર 86 રન પર પહોંચ્યો ત્યારે હાર્દિક પંડ્યાએ જો રૂટને 16 રનના સ્કોરે સ્લિપમાં આઉટ કરાવી ભારતને ચોથી સફળતા અપાવી હતી. ટીમનો સ્કોર 108 રન પર પહોંચ્યો ત્યારે સ્ટોક્સને શમીએ રાહુલના હાથે કેચ આઉટ કરાવી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. જે પછી 110 રનના સ્કોરે પંડ્યાએ બેરિસ્ટોને 15 રનના અંગત સ્કોર પર રાહુલના હાથે કેચ કરાવી ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. લોર્ડસ ટેસ્ટમાં સદી ફટકારનારો ક્રિસ વોક્સ 8 રન બનાવી સાતમી વિકેટના રૂપમાં પંડ્યાની ઓવરમાં પંતને કેચ આપી બેઠો હતો. ઈંગ્લેન્ડે 128 રન સુધીમાં 9 વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યાએ 5 વિકેટ લીધી હતી. 10મી વિકેટ માટે બટલર અને એન્ડરસને 33 રનની પાર્ટનરશિપ કરી હતી.

આ પહેલાં ટ્રેન્ટ બ્રિજ મેદાન પર વાદળછાયા વાતવરણ વચ્ચે પ્રવાસી ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત અડધા કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ઈંગ્લેન્ડના બોલરોએ કંડીશનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. જેના કારણે ભારતની સમગ્ર ટીમ 329 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ વતી એન્ડરસન, બ્રોડ અને વોક્સે 3-3 વિકેટ અને રશિદે 1 વિકેટ લીધી હતી.

નોટિંઘમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 307 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 97 રનનું યોગદાન આપ્યું હતું.