સિડની: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે રંગભેદની ટિપ્પણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સિડની ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે દર્શકોએ વંશીય ટિપ્પણી કરી હતી. આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ખેલાડીઓ સાથે દર્શકો દ્વારા કથિત રીતે રંગભેદની ટિપ્પણી બાદ આઈસીસી મેચ રેફરી સમક્ષ ફરિયાદ કરી છે.


બીસીસીઆઈ સૂત્રો અનુસાર સિરાજને સિડની ક્રિકેટ મેદાનમાં એક સ્ટેન્ડમાં ઉપસ્થિત દારુના નશામાં ધૂત એક દર્શકોએ મંકી કહ્યું હતું. બોર્ડના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના બે ખેલાડીઓ સાથે થયેલા દુર્વ્યવહાર બાદ આઈસીસી મેચ રેફરીને ફરિયાદ કરી છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે બન્ને ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરી રહ્યાં હતા.


સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં દર્શકોએ બુમરાહ અને સિરાજને ગંદી-ગંદી ગાળો આપતાં વંશવાદને લગતી કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આ પહેલી વખત નથી કે જ્યારે ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નસ્લી ટિપ્પણી થઈ હોય. આ અગાઉ 2007-08માં ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રંગભેદના દુર્વ્યવહારની ઘટનાને લઈ વિવાદ થયો હતો.

મન્કીગેટ પ્રકરણ પણ સિડની ટેસ્ટ દરમિયાન થયો હતો. ત્યારે એન્ડ્રયૂ સાયમન્ડ્સ અને હરભજન સિંહ વચ્ચે આ વિવાદ થયો. સાઈમન્ડ્સે દાવો કર્યો હતો કે, હરભજન સિંહે તેને અનેક વખત મોન્કી કહ્યું હતું. જો કે, ભારતીય ઓફ સ્પિનરને આ મામલે સુનાવણી દરમિયાન ક્લીન ચિટ મળી હતી.