નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે કે, 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના વેક્સીનેશનની શરુઆત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રસીકરણ માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, બેઠકમાં કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય સચિવ સિવાય અન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠક બાદ વેક્સીનેશનની તારીખની જાહેરાત કરવામાં આવી છે.


સૌથી પહેલા ત્રણ કરોડ લોકોને આપવામાં આવશે રસી

વેક્શીન આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરુ થશે, પરંતુ સામાન્ય લોકોને હજુ પણ રાહ જોવી પડશે. સરકાર અનુસાર સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે. જેની સંખ્યા ત્રણ કરોડ જેટલી છે. તેની સાથે જ 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોરબિડ લોકોને પણ પહેલા વેક્સીન આપવામાં આવશે. જેની સંખ્યા 27 કરોડની આસપાસ છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં બે કોરોના વેક્સીન ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ અને ઑક્સફોર્ડની ‘કોવિશીલ્ડ’ના ઉપયોગને ઈમરજન્સી મંજૂરી આપી દીધી છે. ત્રણ જાન્યુઆરીએ મંજૂરી આપવામાં આવી હતી.

શુક્રવારે સમગ્ર દેશમાં બીજી વખત કોરોના વાયરસની રસની તૈયારીઓને લઈ ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેક્સીનેશનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સિવાય દેશના તમામ જિલ્લામાં ડ્રાઈ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.