એડિલેડ: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ડે નાઈટ ટેસ્ટમાં ખુબજ ખરાબ રીતે હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાને બીજી ટેસ્ટ પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

મોહમ્મદ શમી બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. શમીએ આ ઇજાના કારણે રિટાયર હર્ટ થવું પડ્યું હતું અને તે ફિલ્ડિંગ કરવા પણ નહોતો આવ્યો. હવે તેનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે.



જે સમયે શમી બેટિગ કરતો હતો ત્યારે ભારતે 36 રનમાં જ 9 વિકેટ ગુમાવી દીધી હતી. કમિંસનો બોલ સીધો જ શમીના જમણા હાથના કાંડા પર વાગ્યો હતો અને તે દર્દથી કણસવા લાગ્યો હતો. ફિઝિયોએ મેદાન પર આવીને શમીને રાહત આપવાની કોશિશ કરી, પરંતુ તે એટલી વધારે હતી કે મેદાન છોડીને બહાર જવા મજબૂર બન્યો હતો.


ટીમ ઈન્ડિયા હાલ સ્ટાર ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. ભારતનો અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માપણ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હિસ્સો નથી. જાડેજા કનકશનને કારણે પ્રથમ ટેસ્ટ રમી શક્યો નહોતો. રોહિત શર્મા પણ ઇજાના કારણે પ્રથમ બે ટેસ્ટનો હિસ્સો નથી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી કારમો પરાજય થયો હતો. મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જો બર્ન્સ 51 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે.