આ પહેલા ભારતના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 74 બોલમાં 6 ફોરની મદદથી 44 રન બનાવ્યા હતા અને તેને નાથન લ્યોને પોતાની જાળમાં ફસાવીને આઉટ કર્યો હતો. જો કે, રોહિત ખૂબજ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. તેના આઉટ થવા પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ભડક્યો હતો.
ચેનલ 7 પર કમેન્ટ્રી કરી રહેલા સુનિલ ગાવસ્કરે કહ્યું કે, “કેમ ? મને સમજાતું નથી કે, જ્યારે તમારી પાછળ ફિલ્ડર છે તો આ પ્રકારનો ખરાબ શોટ રમવાની શું જરૂર હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “આ આશ્ચર્યજનક અને બેજવાબદાર શોટ છે. તમે આ પહેલાની બોલ પર ફોર મારો છો અને બાદમાં એજ પ્રકારના શોટ પર આઉટ થઈ જાવ છો. તમે સીનિયર ખેલાડી છો અને આ પ્રકારના શોટ રમવા પર તમને માફી મળી શકે નહીં. તમે તમારી વિકેટ ગિફ્ટમાં આપી દીધી. આ ટેસ્ટ મેચ છે. તમે શારી શરુઆત કરી અને તમારે આ ઈનિંગને મોટી ઈનિંગમાં ફેરવવું જોઈતું હતું. ”
બીજી તરફ પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા લ્યોને છઠ્ઠી વખત ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માને આઉટ કર્યો છે. તેની સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત રોહિત શર્માને આઉટ કરનાર બોલર બની ગયો છે.