રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડમાં ચારેય તરફ બસ પાણી જ પાણી છે. અહીં રવિવાર દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દસ ઈંચ વરસાદ વરસતા મોટી મારડ ગામના પાંચ તળાવો ઓવરફ્લો થયા છે. મેઈન તળાવ, પંચાયત પાસેનું તળાવ અને મારડીયાના માર્ગ પરનું તળાવ ઓવરફ્લો થયુ છે.
તો ધોધમાર વરસાદને લીધે ખેતરો પણ જળબંબાકાર થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને નવુ જીવનદાન મળ્યું છે. તો પાણીના સ્તર પણ ઉંચા આવ્યા.
રાજકોટમાં સાર્વત્રિક વરસાદ
આ તરફ રાજકોટ જિલ્લામાં પણ રવિવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લીધે રાજકોટ મોરબી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણીના પ્રવાહની સાથે કેટલાક પશુઓ પણ તણાયા હોવાનો સરપંચે દાવો કર્યો છે. તો ધોધમાર વરસાદને પગલે ખેતરો પણ ધોવાયા હતા. નદીઓના પાણી પણ ગામમાં ઘુસી જતા લોકોના ઘરવખરીને નુકસાન થયું હતુ.
કાગદડી ગામ અને વાડી વિસ્તારમાં તો કેટલાક વીજપોલ પણ ધરાશાયી થતા હતા. તો લોધિકા તાલુકામાં સાત ઈંચથી વધુ વરસાદ વરસ્યો. લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદથી ફોફળનદીમાં પાણીની આવક થઈ. જેના કારણે લોધિકાથી કોઠા પીપળીયા અને લોધિકાથી ચાંદલી ગામનો રસ્તો બંધ થયો હતો. લોધિકાના ચીભડા ગામની ભંગડા નદીમાં પણ ઘોડાપુર આવ્યુ.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પણ ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ જળમગ્ન થયુ. ફુલઝર ડેમમાં નવા નીરની આવક થઈ. તો ઉપરવાસના બુટાવદર, બગધરા, મેથાણ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. પાણીની સતત આવકના કારણે ફુલઝર-1 ડેમમાં જળપસાટી વધી. જેને લઈને નીચાણવાળા ગોલાણીયા, ખંઢેરા, નાગપુર, વાડીસગ ગામને એલર્ટ કરવામાં આવ્યા. તો સાતવડી ગામના કોઝવે પરથી ત્રણ ફુટ પાણી વહ્યુ. જેના કારણે સાતવડીગામ સંપર્ક વિહોણુ થઈ ગયુ.
ધોધમાર વરસાદને કારણે મોતીસર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાટીયારી, મોટી મેંગણી, નાની મેંગણી સહિતના ગામડાઓમાં પણ છથી સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જેના કારણે મોતીસર ડેમના બે દરવાજા ખોલાયા. ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસતા મોટી વાવડીની ચંદ્રાવતી નદીમાં પુર આવ્યુ. જેના કારણે ગામના અનેક વિસ્તાર પાણી પાણી થયા. આ તરફ ગૌરીદળ, રતનપર, હડાળા, આણંદપર, કોઠારીયા, કોટડા સાંગાણી સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ વરસ્યો. ગામની નદીઓમાં નવા નીર આવ્યા.