IND Vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 161 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની સાતમી ટેસ્ટ સદી બનાવી હતી. તેની સાથે અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.


રોહિતે અત્યાર સુધી 7 ટેસ્ટ સદી નોંધાવી છે અને આ તમામ સદી ભારતમાં બનાવી છે. જે એક રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ મોહમ્મદ અઝરુદ્દીનના નામે હતો. તેણે 6 સદી દેશમાં નોંધાવ્યા બાદ વિદેશમાં પ્રથમ સદી મારી હતી.



વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો બાંગ્લાદેશના મોમિનુલ હકના નામે પોતાની શરુઆતની 10 સદી પોતાના દેશમાં નોંધાવવાનો રેકોર્ડ છે. આ ક્રમમાં રોહિત શર્મા બીજા ક્રમે આવે છે. તેના બાદ એફએસ જેક્સન, ચંદુ બોર્ડે અને માર્નસ લાબુશેનનું નામ છે. જેણે પોતાના દેશમાં પાંચ-પાંચ સદી ફટકાર્યા બાદ વિદેશની પીચ પર સદી મારી હતી.

રોહિતે વર્ષ 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની સદી નોંધાવી હતી. હવે તેણે નવ ઈનિંગ્સ, 15 મહિના બાદ પ્રથમ સદી ફટકારી છે. ચેન્નઈમાં તેની આ પ્રથમ સદી છે. રોહિત દુનિયાનો પ્રથમ એવો ખેલાડી બની ગયો છે જેણે ચાર ટીમો શ્રીલંકા, વેસ્ટઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ તમામ ફોર્મેટમાં સદી નોંધાવી ચુક્યો છે.