IND vs PAK Asian Games 2023: એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે મંગળવારે, ભારતની સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાએ સ્ક્વોશમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. ભારતની તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહે શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં કુલ 11 મેડલ છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.
ભારતના યુવા ખેલાડી અનાહતે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ મેચમાં પાકિસ્તાનની સાદિયા ગુલને 3-0થી હરાવ્યું હતું. અનાહતે આ મેચ 11-6, 11-6 અને 11-3થી જીતી હતી. બીજી મેચમાં જોશનાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જોશ્નાએ બીજી મેચમાં પાકિસ્તાનના નૂર ઉલ હક સાદિકને હરાવ્યો હતો. તેણે આ મેચ 11-2, 11-5 અને 11-7થી જીતી હતી.
તન્વી ખન્નાએ ભારતની ત્રીજી મેચ જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેપાળ સાથે થશે. આ મેચ બુધવારે સવારે 7.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા બે ગ્રુપ મેચ રમશે.
નોંધનીય છે કે ત્રીજા દિવસે ભારતને સ્ક્વોશની સાથે અન્ય રમતોમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ હોકીમાં સિંગાપોર પર શાનદાર જીત નોંધાવી. ભારતે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. અંકિતા રૈનાએ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 16માં જીત મેળવી હતી. આ સાથે અંકિતાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની સ્વિમિંગ ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતે મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
શૂટિંગમાં ભારત એક મેડલ ચૂકી ગયું. રમિતા જિંદાલ અને દિવ્યાંશ પવાર 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટ જીતી શક્યા ન હતા. આ ભારતીય જોડીએ શરૂઆતમાં 8-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ આ પછી તે 18-20થી પાછળ રહી ગઈ અને મેડલ ચૂકી ગઈ હતી. જો રમિતા-દિવ્યાંશ જીત્યા હોત તો ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો હોત.