નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની  બીજી વન-ડે ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો 107 રને વિજય થયો હતો. જીત સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી છે.ભારતે મેચ જીતવા આપેલા 388 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.


આ મેચમાં ભારતીય ઇનિંગ દરમિયાન કેપ્ટન કોહલી ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. તે પ્રથમ બોલ પર પોલાર્ડના સ્લો બાઉન્સર પર રોસ્ટન ચેઝને કેચ આપી બેઠો હતો. કોહલી પોતાના વન-ડે કરિયરમાં 13 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. આ મેચમાં ત્રીજી વખત બન્યું છે જેમાં કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો છે. જોકે, ભારતે રોહિત શર્મા અને લોકેશ રાહુલની સદીની મદદથી 50 ઓવરમાં 387 રનનો સ્કોર ખડક્યો હતો.

આ અગાઉ કોહલી ઇગ્લેન્ડ વિરુદ્ધ 23 જાન્યુઆરી 2013માં ધર્મશાળામાં પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 11 જૂન 2011માં પ્રથમ બોલ પર જ ખાતુ ખોલાવ્યા વિના કોહલી આઉટ થયો હતો.  કોહલી બે વર્ષ પછી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો છે. 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઇમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો છે.