નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20 સીરિઝની શરૂઆત થઇ ચૂકી છે. પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ ગઇ હતી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનને લઇને પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે આ અંગે વિચારવું જોઇએ કે ઓપનર શિખર ધવન શું આગામી ટી-20 વર્લ્ડકપને લઇને તેમની યોજનામાં સામેલ છે કે નહીં.

વીવીએસ લક્ષ્મણે એક ન્યૂઝપેપરમાં લખેલી પોતાના કોલમમાં લખ્યું કે, આગામી ટી-20 વર્લ્ડકપને જોતા ભારતે એ નિર્ણય કરવો પડશે કે શિખર ધવન, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે કે નહીં. વર્લ્ડકપ એક વર્ષ દૂર છે.તમામ નજર ટી-20 સીરિઝમાં ધવન પર રહેશે. ઘણા ક્રિકેટરો રોહિત શર્માની સાથે વધુ આક્રમક અંદાજમાં રમવા માટે તૈયાર છે. અનેક એવા બેટ્સમેન છે જે વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવી શકે છે અને જેમની અંડરસ્ટેન્ડિંગ રોહિત શર્મા કરતા સારી છે. શિખર ધવનને ટીમ મેનેજમેન્ટ ક્યાં સુધી રાખશે તેના પર તમામની નજર છે.

નોંધનીય છે કે વર્લ્ડકપ 2019માં શિખર ધવન અંગૂઠામાં ઇજાના કારણે બહાર થઇ ગયો હતો. ધવને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટી-20 સીરિઝમાં કાંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. પરંતુ સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ તેણે અડધી સદી બનાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત આપ્યા હતા.