Asian Champions Trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 8 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ચીનના હુલુનબુઇર, ઇનર મંગોલિયામાં આયોજીત કરાશે. આ ટુર્નામેન્ટ માટે 18 સભ્યોની ભારતીય પુરૂષ હૉકી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં એશિયાના હૉકી રમતા દેશો ભારત, કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, જાપાન અને યજમાન ચીન વચ્ચે સ્પર્ધા થશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનું નેતૃત્વ મહાન ડ્રેગફ્લિકર હરમનપ્રીત સિંહ કરશે અને અનુભવી મિડફિલ્ડર વિવેક સાગર પ્રસાદ વાઇસ-કેપ્ટન તરીકે જોડાશે.
વાસ્તવમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય પુરૂષ હૉકી ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત સિંહ પાસે છે અને વિવેક સાગરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જાણીતા ગોલકીપર પીઆર શ્રીજેશની નિવૃત્તિ બાદ ગોલકીપર તરીકે કૃષ્ણ બહાદુર પાઠક અને સૂરજ કરકેરા હશે. જ્યારે ડિફેન્સમાં જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, સંજય અને સુમિતનો સમાવેશ થાય છે.
રાજકુમાર પાલ, નીલકાંત શર્મા, મનપ્રીત સિંહ અને મોહમ્મદ રાહિલ મિડફિલ્ડમાં જોવા મળશે, જ્યારે અભિષેક, સુખજિત સિંહ, અરિજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ અને પ્રથમ વખત ટીમમાં સામેલ કરાયેલા ગુરજોત સિંહ યુવા ફોરવર્ડ લાઇનમાં જોવા મળશે.
નોંધનીય છે કે પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમના દસ ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરાયા છે જ્યારે પાંચ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જેમાં હાર્દિક સિંહ, મનદીપ સિંહ, લલિત ઉપાધ્યાય, શમશેર સિંહ અને ગુરજંત સિંહનો સમાવેશ થાય છે.
મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું કે અમારા માટે આ એક મહત્વપૂર્ણ અભિયાન છે જેથી અમે અમારા રેન્કિંગ પોઈન્ટ વધારી શકીએ. છેલ્લાં કેટલાંક અઠવાડિયાં ખરેખર શાનદાર રહ્યાં છે અને અમને તમામનો પ્રેમ અને પ્રશંસા મળી છે અને અમે આશા રાખીએ છીએ કે અમારા ભાવિ અભિયાનોમાં પણ આ સમર્થન ચાલુ રહેશે.
ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 8 સપ્ટેમ્બરે ચીન સામેની મેચથી કરશે. આ પછી 9 સપ્ટેમ્બરે જાપાન સામે મેચ રમાશે. બાદમાં તેઓ 11 સપ્ટેમ્બરે મલેશિયા અને 12 સપ્ટેમ્બરે કોરિયા સામે રમશે. જ્યારે ભારત પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરે રમશે. ટુનામેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલ અનુક્રમે 16 અને 17 સપ્ટેમ્બરે રમાશે.
ભારતીય પુરૂષ હૉકી ટીમ
ગોલકીપર્સઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા
ડિફેન્ડર્સઃ જર્મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જગરાજ સિંહ, સંજય, સુમિત
મિડફિલ્ડર્સ: રાજ કુમાર પાલ, નીલકાંત શર્મા, વિવેક સાગર પ્રસાદ (વાઈસ કેપ્ટન), મનપ્રીત સિંહ, મોહમ્મદ રાસીલ મૂસીન
ફોરવર્ડઃ અભિષેક, સુખજિત સિંહ, અરેજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ