નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ આયરલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં 76 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે બે મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આયરલેન્ડની આખી ટીમ 20 ઓવરમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની સામે ફક્ત 132 રન બનાવી શકી હતી.
કુલદીપ ચહલે 21 રન આપીને ચાર વિકેટ જ્યારે લેપ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જયપ્રીત બુમરાહે 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આયરલેન્ડ તરફથી જેમ્સ શેનોનને 60 રન ફટકાર્યા હતા પરંતુ તે સિવાય કોઇ બેટ્સમેન 20 રનથી વધુ કરી શક્યો નહોતો. શેનોને 35 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સ સાથે સૌથી વધુ 60 રન ફટકાર્યા હતા.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા અને આયરલેન્ડને જીત માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્માએ 61 બોલમાં 97 રન બનાવ્યા હતા.