નવી દિલ્હીઃ ભારત આ વર્ષે યોજાનારા ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમી શકે છે. બીસીસીઆઇના સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ થોડા સમય અગાઉ કહ્યું હતું કે, તેમની ટીમ ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે.


બીસીસીઆઇના એક સૂત્રએ નામ ન આપવાની શરતે કહ્યુ કે, ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમી શકે છે. ભારતે પોતાની પ્રથમ ડે-નાઇટ મેચ છેલ્લા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઇડન ગાર્ડનમાં રમી હતી અને આ મેચને સરળતાથી જીતી હતી.

છેલ્લા મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં ત્રણ મેચની વન-ડે સીરિઝ અગાઉ કોહલીએ કહ્યું હતું કે અમે પડકાર માટે તૈયાર છીએ. પછી તે પર્થમાં હોય કે ગાબામાં હોય. આ અમારા માટે મહત્વ નથી રાખતું. આ કોઇ પણ ટેસ્ટ સીરિઝમાં રોમાંચક હિસ્સો બની ગયો છે અને અમે ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છીએ. ભારતે 2018માં એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાની ઓસ્ટ્રેલિયાની વિનંતી ફગાવી દીધી હતી અને તેમાં અનુભવ ઓછો હોવાની વાત કરી હતી.